આણંદ જિલ્લાના ધર્મજ-પેટલાદ માર્ગ ઉપર આવેલા ટેલરપુરા પાટીયા પાસે ગઈકાલ રાત્રિના સુમારે ઈન્ડીકેટર વિના પાર્ક કરેલા એક ટ્રેક્ટરની ટ્રોલી પાછળ એક રિક્ષા ઘુસી જતા સર્જાયેલા અકસ્માતમાં એક મહિલાનું મોત નીપજ્યું હતું. જ્યારે આઠ વ્યક્તિઓ ઈજાગ્રસ્ત થતા તેઓને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા હતા. આ અંગે ખંભાત ગ્રામ્ય પોલીસે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.
આણંદ જિલ્લાના સોજિત્રા ખાતે રહેતા વિશાલભાઈ અશોકભાઈ પટેલ ગતરોજ પત્ની જહાન્વીબેન સહિતના પરિવારજનો સાથે પોતાની સીએનજી રિક્ષામાં ધર્મજના જલારામ મંદિરે દર્શન કરવા માટે ગયા બાદ રાત્રિના સુમારે રિક્ષા લઈને સોજિત્રા ખાતે પરત ફરી રહ્યા હતા. દરમ્યાન રાત્રિના લગભગ સાડાનવ વાગ્યાની આસપાસ તેઓની રીક્ષા ધર્મજ-પેટલાદ રોડ ઉપર આવેલા ટેલરપુરા પાટીયા નજીકથી પસાર થઈ રહી હતી ત્યારે એક ટ્રેક્ટરના ચાલકે ટ્રોલી સાથેનંર ટ્રેક્ટર રોડ ઉપર મુક્યું હતું.
જેમાં પાર્કિંગ લાઈટ કે અન્ય કોઈ ઈન્ડીકેટર ન હોવાના કારણે રીક્ષાચાલકને ટ્રોલી નજર ન આવતા રીક્ષા ટ્રોલીની પાછળના ભાગે ધડાકાભેર ધુસી ગઈ હતી. જેને પગલે રીક્ષાનો લોચો વળી ગયો હતો. આ અકસ્માતમાં જહાન્વીબેનને માથા તેમજ શરીરના અન્ય ભાગોએ ગંભીર ઈજાઓ પહોંચતા તેઓનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. જ્યારે રીક્ષામાં સવાર અન્ય મુસાફરોને વધતા-ઓછા પ્રમાણમાં ઈજાઓ પહોંચી હતી. અકસ્માત બાદ ટ્રેક્ટરનો ચાલક ઘટના સ્થળેથી ટ્રેક્ટર લઈને ફરાર થઈ ગયો હતો. બીજી તરફ ઈજાગ્રસ્તોને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડાયા હતા. આ બનાવ અંગે પેટલાદ ગ્રામ્ય પોલીસે અંકુરભાઈ જ્યંતભાઈ પટેલની ફરિયાદના આધારે અજાણ્યા ટ્રેક્ટર ચાલક વિરૂધ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.