માંગરોળ તાલુકાના 39 ગામની શાળા આંગણવાડીમાં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવની ભવ્ય ઉજવણી સાથે શાળા અને આંગણવાડી કેન્દ્રમાં 612 જેટલા ભૂલકાઓને કુમકુમ તિલક કરી વાજતે ગાજતે પ્રવેશ અપાયો હતો.
તાલુકાના વાંકલ ગામની પ્રાથમિક શાળા ખાતે શાળાના આચાર્ય બચુભાઈ ચૌધરી અને શાળા પરિવાર દ્વારા કન્યા કેળવણી મહોત્સવ અને પ્રવેશોત્સવ ભવ્ય આયોજન કરાયું હતું. ગાંધીનગરના ડો.બી સચિન્દ્વા આઈ એફ એસ ના અધ્યક્ષ સ્થાને શાળા પ્રવેશોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. આ સમયે તાલુકા પંચાયતના ઉપપ્રમુખ તૃપ્તિબેન મૈસૂરીયા, સામાજિક કાર્યકર મહેન્દ્રસિંહ અટોદરિયા વગેરેના હસ્તે બાળકોને કુમકુમ તિલક કરી શિક્ષણ કીટ અર્પણ કરી વાંજતે ગાજતે પ્રવેશ અપાયો હતો. બાળકો દ્વારા ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ શાળાના તેજસ્વી તારલાઓનું સન્માન કરવામાં આવ્યું હતું. વાંકલ અને પાનેશ્વર પ્રાથમિક શાળા ખાતે આગેવાનોના હસ્તે વૃક્ષારોપણ કરાયું હતું. તાલુકામાં કુલ 39 જેટલા ગામોમાં આંગણવાડી અને બાલ મંદિરોમાં 127 ભૂલકાઓને પ્રવેશ અપાયો હતો. બાલવાટિકામાં 454 જેટલા બાળકો અને ધોરણ-1 માં 31 જેટલા બાળકોને પ્રવેશ અપાયો હતો ઠેર ઠેર શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી યોજાયા હતા.