ભરૂચ જિલ્લામાં ચાલુ વર્ષે આગામી ૨૬ મી જાન્યુઆરી – ૨૦૧૮ પ્રજાસત્તાક પર્વની ભરૂચ ખાતે જિલ્લાકક્ષાની ઉજવણી થનાર છે, ત્યારે આ ઉજવણી વિશિષ્ટ પ્રકારના કાર્યક્રમોના આયોજન સાથે આન-બાન-શાનથી થાય તે માટે જિલ્લા કલેક્ટરશ્રી સંદિપ સાગલેના અધ્યક્ષપદે ભરૂચ કલેક્ટરાલય ખાતે યોજાયેલી બેઠકમાં સંબધિત વિભાગોને સોંપાયેલી ફરજો જવાબદારીઓ સુપેરે પાર પાડવા અમલીકરણ અધિકારીઓને સૂચનાઓ અપાઇ હતી.
નિવાસી અધિક કલેક્ટરશ્રી સી.બી.બલાત સહિતના અધિકારીઓ સાથે ઉજવણીના આગોતરા આયોજન અંગે યોજાયેલી બેઠકને સંબોધતા જિલ્લા કલેક્ટરશ્રી સંદિપ સાગલેએ જણાવ્યું હતું કે, પ્રજાસત્તાક પર્વની ઉજવણીના ભાગરૂપે શહેર-જિલ્લામાં ખાસ સફાઇ ઝૂંબેશ હાથ ધરવા સુચનાઓ આપી હતી. જિલ્લાકક્ષાની યોજાનારી પ્રજાસત્તાક પર્વની આ ઉજવણીમાં સવારે પ્રભાતફેરી, ધ્વજવંદન બાદ વિવિધ શૈક્ષણિક સંસ્થાઓ ધ્વારા રજૂ થનારા સાંસ્કૃતિક કાર્યક્રમોમાં દેશભક્તિના ગીતો સહિતની વિવિધ કૃતિઓ રજૂ થાય તે માટેનું આયોજન, પોલીસ બેન્ડની મધૂર સુરાવલીઓ વચ્ચે પોલીસ, એસ.આર.પી., હોમગાર્ડ જવાનો, એન.સી.સી., એન.એસ.એસ.ના છાત્રોની પ્લાટૂનોની માર્ચ-પાસ્ટનું પણ સુંદર આયોજન હાથ ધરાય તેનું જરૂરી માર્ગદર્શન પુરૂ પાડયું હતું.
આ ઉજવણીમાં શિક્ષણ, આરોગ્ય, આદિજાતિ વિકાસ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, સંકલિત બાળ વિકાસ, ૧૦૮ એમબ્યુલન્સ સેવા, વન વિભાગ, પોલીસ વિભાગ, પી.ડબલ્યુ.ડી. વગેરે જેવા વિવિધ સરકારી વિભાગો તરફથી થીમબેઝ આધારિત વિવિધ ટેબ્લો પણ રજૂ થાય તેવું ઘનિષ્ઠ આયોજન હાથ ધરવા અમલીકરણ અધિકારીઓને સુચના અપાઇ હતી. સ્વાતંત્ર્ય સેનાનીઓ ઉપરાંત જિલ્લાના વિવિધ વિભાગોમાં જે તે ક્ષેત્રે વિશિષ્ટ કામગીરી કરનાર કર્મયોગીઓ તથા જિલ્લાનું ગૌરવ વધારનાર તેજસ્વી પ્રતિભાઓની વિગતો પણ તૈયાર કરવા જરૂરી સુચના અપાઇ. પ્રજાસત્તાક પર્વની આ ઉજવણી દરમિયાન વિવિધ સરકારી કચેરીઓ રોશનીથી ઝળહળી ઉઠે તથા સમાજના તમામ વર્ગો, સંગઠનો, જાહેર-સ્વૈચ્છિક સંસ્થાઓ અને પ્રજાજનોને રાષ્ટ્રીય પર્વની આ ઉજવણીમાં ઉત્સાહભેર ભાગ લે તેવું આયોજન હાથ ધરવા જરૂરી સુચનાઓ અમલીકરણ અધિકારીઓને આપવામાં આવી.
બેઠકમાં જિલ્લાના વિવિધ વિભાગોના અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.