મહેમદાવાદથી પસાર થતાં અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઇવે પર વાંઠવાળી સીમ નજીક ટ્રક પાછળ એસટી બસ અથડાતાં અકસ્માત થયો હતો. જેમાં બસની કેબિનનું પડીકું વળી ગયું હતું. જ્યારે આ અકસ્માતમાં બસમા સવાર ૧૦ જેટલા મુસાફરોને નાની- મોટી ઈજાઓ પહોંચી હતી.
મહેમદાવાદ તાલુકાના વાંઠવાળી ગામમાંથી અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે પર છોટાઉદેપુરથી વાંકાનેર જતી એસટી બસ રાત્રીના દોઢ વાગ્યાના અરસામાં પસાર થઈ રહી હતી. તે દરમિયાન આગળ જતી ટ્રકએ એકાએક બ્રેક મારતા એસટી બસ ધડાકાભેર ટ્રક પાછળ અથડાઈ હતી. જેના કારણે બસનો આગળના ભાગનો લોચો વળી ગયો હતો. આ અકસ્માતમા બસમાં બેઠેલા કુલ ૧૦ મુસાફરોને ઈજાઓ પહોંચી હતી. અકસ્માત સર્જાતા એસટી બસને રોડની સાઈડ પર ઉભી કરી દેવામાં આવી હતી. હાઇવેની એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવી હતી. તમામ ઈજાગ્રસ્તોને સારવાર માટે નડિયાદ ખસેડવામાં આવ્યાં હતા. ઇજાગ્રસ્તોને સારવાર કર્યા બાદ રજા આપી દેવામાં આવી હતી. મિતેષભાઈ નારસીંગભાઈ તડવીની ફરિયાદ આધારે મહેમદાવાદ પોલીસે બસ ડ્રાઇવર સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
નરેશ ગનવાણી : નડિયાદ