સમગ્ર ભારતમાં છેલ્લા ઘણા સમયથી મોનસુનની રાહ જોવામાં આવી રહી હતી. જો કે હવે IMD એ આ બાબતે જાહેરાત કરી દીધી છે એટલે હવે ચોમાસાની ધમાકેદાર શરુઆત શરુ થશે. ભારતીય હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આગામી 48 કલાકમાં કેરલમાં વિધિવત ચોમાસાનું આગમન થશે. IMD એ કહ્યું છે કે આગામી 48 કલાકમાં કેરળમાં ચોમાસું બેસી જશે. હાલમાં ચોમાસા માટેની અનુકુળ પરિસ્થિતિ જોવા મળી રહી છે.
ગત રવિવારનો રોજ કેરળમાં ચોમાસુ બેસવાની ધારણા હતી, પરંતુ તેની શરુઆત થઈ નહોતી. ભારતીય હવામાન ખાતાના જણાવ્યા પ્રમાણે ચોમાસાની શરુઆત માટે હજુ ત્રણ-ચાર દિવસ વધુ રાહ જોવી પડશે. દક્ષિણ-પશ્ચિમ ચોમાસું સામાન્ય રીતે કેરળમાં 1 જૂને બેસી જાય છે અને તેની શરુઆત સાત દિવસ પહેલા અથવા સાત દિવસ પછી થાય છે.
ભારતીય હવામાન વિભાગે મે મહિનામાં કહ્યું હતું કે 4 જૂન સુધીમાં કેરળમાં ચોમાસું બેસી શકે તેવી શક્યતા રહેલી છે. IMD એ રવિવારના રોજ એક નિવેદન આપતા કહ્યું હતું કે, દક્ષિણ અરબ સાગરની ઉપર પશ્ચિમી હવાઓમાં વધારો જોતા ચોમાસા માટે સ્થિતિ અનુકુળ થઈ રહી છે. આ સાથે પશ્ચિમી હવાઓની ઊંડાઈ પણ ધીરે- ધીરે વધી રહી છે. અને 4 જૂનના રોજ પશ્ચિમી પવનોની ઊંડાઈ સરેરાશ સમુદ્ર સપાટીથી 2.1 કિ.મી. ઉપર પહોંચી ગઈ છે.