ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રી સંદીપ માંગરોલા દ્વારા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને પત્ર દ્વારા ભરૂચ જિલ્લામાં ઉદ્યોગો દ્વારા થતા પ્રદૂષણને અટકાવવા ઉચ્ચ કક્ષાની કમિટી નીમવા માટે માંગણી કરી છે તેઓએ જણાવ્યું છે કે ભરૂચ જિલ્લો ઔદ્યોગિક રીતે ખૂબ જ વિકસિત જિલ્લો છે પરંતુ પર્યાવરણ દિન નિમિત્તે જ ભરૂચ જિલ્લામાં પ્રદૂષણ કરતા એકમો કાયદો નેવે મૂકીને માત્ર આર્થિક ફાયદા તરફ દોટ મૂકીને પ્રજાના ભોગે ઉદ્યોગો ચલાવી રહ્યા છે. જેમાં ભરૂચ જિલ્લામાં વસતા લોકોને શારીરિક માનસિક ખૂબ હાનિ પહોંચી રહી છે.
આ અંગે રીજનલ ઓફિસર જીપીસીબી અંકલેશ્વર ને જાણ કરતા તેઓ દ્વારા પાણી ક્યાંથી છોડાઈ રહ્યું છે એ અંગેની તેઓ પાસે માહિતી ઉપલબ્ધ નથી એમ જણાવ્યું છે. ત્યારે હાલમાં જ વરસાદના કારણે ઘણા એકમો દ્વારા પ્રદૂષિત પાણી નદી નાળાઓમાં છોડવામાં આવી રહ્યુ છે. આજ વિસ્તારમાં હવા પણ પ્રદૂષિત થઈ રહી છે. અનેક એકમો સવારના સમયે હવાને પણ પ્રદૂષિત થાય એ પ્રમાણેનો ગેસ છોડી રહ્યા છે. અમરાવતી નદીમા જળચળ નાશ થવાના બનાવમા જીપીસીબી દ્વારા જાણવા જોગ પોલીસ ફરીયાદ કરી પ્રકરણને રફેડફે કરવા પ્રયાસ કરાયો છે. અંકલેશ્વર ઉદ્યોગ મંડળ દ્વારા પ્રદુષણવાળુ પાણી નથી છોડાયુ એવુ નિવેદન આવ્યા બાદ ઉચ્ચ કક્ષાની તપાસ થવી જરૂરી છે.
ઉદ્યોગો દ્વારા ભૂતકાળમાં ભૂગર્ભમાં પ્રદુષિત પાણી છોડવામાં આવ્યાના અનેક બનાવો સામે આવ્યા છે. થોડા સમય પેહલા ભરૂચ જિલ્લાના વાલીયા ઝઘડિયા વિસ્તારમાં 24D ના કારણે ખેતી નષ્ટ પામવાના બનાવ બનેલા હતા. હાલમાં પણ ઘણી કંપનીઓ અંકલેશ્વર, ઝઘડિયા, પાનોલી, દહેજ વિસ્તારમાં પાણી સીધા ડ્રેનેજમાં છોડવામાં આવે છે. જીપીસીબીના નાઈટ પેટ્રોલિંગમાં ગટર લાઈનમાં પ્રદુષિત માત્રા મળ્યા બાદ નજીકની કંપનીમાં તપાસ કરવા ગયા બાદ તેમને ક્લીનચીટ આપવામાં આવે છે. હજી પણ ઘણી કંપનીઓના ઇટીપી પ્લાન્ટ સુધારવાની મુદત પૂર્ણ થઈ ગઈ છે તેમ છતા ના. સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ જીપીસીબી દ્વારા આવા એકમો સામે શુ કાર્યવાહી કરી તેનો કોઈ ખુલાશો આપેલ નથી.
જીલ્લાની ઔદ્યોગિક વસાહતોમાં અનેક નવા ઉદ્યોગો સ્થાપીત થયા બાદ BAIL અને NCT ને આપેલી મંજૂરીનું પુનઃ અવલોકન કરાયું નથી. પ્રદુષિત કચરા અને જળના નિકાલની વ્યવસ્થાનું મૂલ્યાંકન જીપીસીબી ક્યારે કરશે? આ અંગે સ્થાનિક એકમોમાં પોલ્યુશન કંટ્રોલ બોર્ડના નિયમોનો ચુસ્તપણે પાલન થાય એ મુજબ સંબંધિત અધિકારીઓને આપની કક્ષાએથી સૂચના આપી તાત્કાલિક આવા એકમો સામે કાર્યવાહી હાથ ધરવા અને આ અંગે તપાસ માટે હાઈ લેવલ એક્સપર્ટ કમિટીની રચના કરવા સંદીપ માંગરોળાએ માંગણી કરી છે.