કુદરતી વાવાઝોડાને કારણે TAT ની પરિક્ષાથી વંચિત ઉમેદવારો માટે ફરીથી એક તક આપવા છોટાઉદેપુર સાંસદ ગીતાબેન રાઠવાએ મુખ્યમંત્રી સહિત વિવિધ ઉચ્ચ કક્ષાએ રજુઆત કરી છે, સાંસદે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, રાજયપાલ આચાર્ય દેવવ્રત, મંત્રીઓ ડો.કુબેરભાઇ ડીંડોર, પ્રફલભાઇ પાનશેરીપાને લેખિત રજુઆત કરી છે.
આ રજુઆતમાં તેમણે જણાવ્યું છે કે, છોટાઉદેપુર જિલ્લામાં તા. ૦૪/૦૬/૨૦૨૩ રવિવારના રોજ સવારના ૯ કલાકથી બપોરના ૧૨ કલાક સુધી ભારે વાવાઝોડા સાથે વરસાદ પડયો હતો. મુખ્ય રસ્તા (મુખ્ય હાઇવે) ઉપરના વૃક્ષો તથા ડાળીઓ પડી ગયા હતા. છોટાઉદેપુર જિલ્લાના તમામ રસ્તાઓ પર વૃક્ષો પડી જવાને લઈને રસ્તાઓ બ્લોક થઈ ગયેલા હતા. જેના પરિણામે તા. ૦૪/૦૬/૨૦૨૩ ના રોજ TAT પરીક્ષાના ઉમેદવારો ૪૦૦ થી ૫૦૦ જેટલા ઉમેદવારો પરીક્ષા સ્થળે પહોંચી શકયા નથી અને ૭ વર્ષ બાદ TAT ની પરીક્ષા આપવાનો ઉમેદવારોને મોકો મળેલો હતો, પરંતુ કુદરતી આફતને લઈને તેઓ પરીક્ષા આપી શક્યા નથી. છોટાઉદેપુર જિલ્લો મધ્યપ્રદેશની બોર્ડર ઉપર આવેલો સરહદી જિલ્લો છે. ઉમેદવારોએ રૂબરૂ મળી તેમની આપવીતી જણાવેલ છે. પરીક્ષાથી વંચિત ઉમેદવારોનુ ભાવી અંધકારમય બને તેમ છે. માટે તેમના પરિવારો માનસીક તાણ અનુભવી રહયા છે. આ કુદરતી વાવાઝોડાથી મારા મત વિસ્તારના પંચમહાલ, નર્મદા, વડોદરા તેમજ દાહોદ સહીતના અનેક જિલ્લાઓ અસરગ્રસ્ત બનેલા છે અને ત્યા પણ કેટલાક ઉમેદવારો TAT પરીક્ષાથી વંચીત રહયા છે. તો આ બાબતે આપ ગંભીર નોંધ લઇ પરીક્ષાથી વંચીત રહેલા છોટાઉદેપુર જિલ્લા સહીત બાકી રહેલા અન્ય પણ પરીક્ષાર્થીઓને પુનઃ તક આપવા જે આપશ્રી સ્વીકારી યોગ્ય કરવા વિનંતી છે. આમ સાંસદ ગીતાબેન રાઠવા પરીક્ષાર્થીઓના એક તક મળવી જોઈએ તેવી લેખિત રજૂઆત કરી છે.
ફૈજાન ખત્રી જિ.છોટાઉદેપુર