અમદાવાદમાં માદક દ્વવ્યોની હેરાફેરી વધી રહી છે. વિદેશી દારૂ સહિત ગાંજાની હેરાફેરીના કિસ્સા વધુ પ્રમાણમાં સામે આવી રહ્યાં છે. ત્યારે અમદાવાદ એસઓજી ક્રાઈમ બ્રાંચ દ્વારા 32 હજારની કિંમતના ત્રણ કિલો ગાંજા સાથે એક શખ્સની ધરપકડ કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે આરોપી પાસેથી 1.41 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. અરવિંદ બારિયા નામના શખ્સની તપાસ શરૂ કરી.
પ્રાપ્ત વિગતો પ્રમાણે એસઓજીને ગાંજાનો જથ્થો અમદાવાદમાં ઘૂસાડવામાં આવી રહ્યો હોવાની બાતમી મળી હતી. આ બાતમીને આધારે એસઓજી ક્રાઈમ બ્રાંચે સીટીએમ ટોલ રોડ પર વોચ ગોઠવી હતી અને બરોડા તરફથી આવી રહેલી કારમાં ગાંજો હોવાનું બાતમીદારે જણાવ્યું હતું. ક્રાઈમ બ્રાંચના અધિકારીઓએ પંચોને સાથે રાખીને બરોડા તરફથી આવી રહેલી કારને ઓળખીને રોકી હતી અને કારના ચાલકની પુછપરછ કરી હતી. ત્યારબાદ કારની તપાસ કરતાં બોનેટની અંદરથી ક્રાઈમ બ્રાંચને ત્રણ કિલો ગાંજાનો જથ્થો હાથ લાગ્યો હતો. ક્રાઈમ બ્રાંચે આરોપીની પુછપરછ કરતાં તેણે તેનું નામ શંકરલાલ કહાર હોવાનું જણાવ્યું હતું. તેણે આ ગાંજાનો જથ્થો દેવગઢ બારિયા ચોકડી ખાતે રહેતા અરવિંદ બારીયા પાસેથી લાવ્યો હોવાનું જણાવ્યું હતું. આ જથ્થો તેણે છુટક વેચાણ કરવા લાવ્યો હોવાનું પણ જણાવ્યું હતું. પોલીસે અરવિંદ બારીયાને ઝડપવા ચક્રો ગતિમાન કર્યાં છે.