ઓડિશામાં ફરી ટ્રેન પાટા પરથી ઉતરી હોવાના સમાચાર મળી રહ્યા છે. બારગઢમાં માલગાડી પાટા પરથી ઉતરી હોવાની માહિતી મળી રહી છે. માલગાડીમાં ચુનાનો પથ્થર ભરાયો હતો અને તેના 5 કોચ બારગઢ ખાતે પાટા પરથી ઉતરી ગયા હતા. જોકે આ દુર્ઘટનામાં કોઈને નુકસાન થયું હોવાની કોઈ માહિતી નથી. પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. ઓડિશાના બાલાસોર જિલ્લામાં શુક્રવારે રાત્રે થયેલી ટ્રેન દુર્ઘટનામાં 288 થી વધુ લોકોના મોત થયા છે. દેશની સૌથી ભયાનક ટ્રેન દુર્ઘટનાઓમાંની એક આ દુર્ઘટનામાં 1100 થી વધુ મુસાફરો ઘાયલ થયા છે.
મળતી માહિતી અનુસાર, ડુંગરી લાઈમસ્ટોન ખાણ અને ACC બારગઢના સિમેન્ટ પ્લાન્ટ વચ્ચે ખાનગી નેરોગેજ રેલ લાઈન છે. અહીં લાઇન, વેગન, લોકો બધું જ ખાનગી છે. આ ટ્રેક કોઈપણ રીતે ભારતીય રેલ્વે સિસ્ટમ સાથે જોડાયેલ નથી. આજે વહેલી સવારે તે રેલ્વે લાઇન પરથી ડબ્બા પાટા પરથી ઉતરી જવાની ઘટના બની છે.