ભરૂચ જિલ્લામાંથી પસાર થતા રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર ૪૮ પર આવેલા નબીપુર નજીક આવેલી વિરામ હોટલના પાર્કિંગમાંથી એક બંધ બોડીના કન્ટેનરમાંથી ભરૂચ એલસીબી પોલીસે રૂપિયા બાવીસ લાખ ઉપરાંતનો ભારતીય બનાવટના વિદેશી દારૂનો મસમોટો જથ્થો ઝડપી પાડતા દારૂનો ગેરકાયદેસર વેપલો કરતા બુટલેગરોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર લોકલ ક્રાઇમ બ્રાંચની અલગ અલગ ટીમો બનાવી અસામાજીક પ્રવૃતિની હેરફેરી અટકાવવા નેશનલ હાઇવે ઉપર પેટ્રોલીંગ કરી રહી હતી. એલ. સી. બી. ના પોલીસ સબ ઇન્સ્પેક્ટર પી.એમ.વાળાની ટીમ પેટ્રોલીંગમાં હતી. દરમ્યાન પોલીસ ઇન્સપેક્ટર એલ.સી.બી.ને ચોક્ક્સ બાતમી હકિકત મળેલ કે નેશનલ હાઇવે ૪૮ ઉપર ભરૂચ થી વડોદરા જતા ટ્રેક ઉપર નબીપુર ઓવરબ્રીજથી આગળ આવેલ વિરામ હોટલના પાર્કિંગમાં એક બંધબોડીનું કેન્ટેનર નંબર એચ આર ૪૭ સી ૨૦૭૫ પાર્ક કરેલ છે.
જેમાં ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો ભરેલ છે. મળેલી બાતમીના આધારે પોલીસે વિરામ હોટલના પાર્કિંગમાં સફળ રેઇડ કરી ભારતીય બનાવટના વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડના કુલ બોક્ષ નંગ-૬૨૬ જેમાં કુલ બોટલ નંગ-૭૫૧૨ કિંમત રૂપિયા ૨૨,૫૩,૬૦૦ ના જથ્થા સહીત કુલ મુદ્દામાલ કિંમત રૂપિયા ૩૭,૫૬,૭૪૦/- સાથે એક આરોપી તેજારામ કીશનારામ જાતે મેધવાલ, રહે. રાણાતા ભગવાનપુરા, (રાજસ્થાન) નાને ઝડપી પાડ્યો હતો. જ્યારે અન્ય એક આરોપી મનોજભાઇ રહે. રાજસ્થાન પુરૂ નામ સરનામું મળી આવેલ નથી તેને વોન્ટેડ જાહેર કર્યો હતો. આરોપીની ઉડાણપુર્વક પુછપરછ દરમ્યાન આરોપીઓએ ગુજરાતમાં દારૂ ઘુસાડવા કાવતરૂ રચી, ગુનાહીત કૃત્યમાં આર્થિક લાભ મેળવવા સારૂ ખોટી બીલ્ટી બનાવેલ હોવાની હકિકત સામે આવતા પ્રોહી. નો જથ્થો મોકલનારને વોન્ટેડ જાહેર કરી, પ્રોહીબીશન તથા ઇન્ડીયન પીનલ કોડની સલંગ્ન કલમો મુજબ કાર્યવાહી કરી નબીપુર પોસ્ટે ગુનો રજીસ્ટર કરાવી આગળની વધુ તપાસ પાલેજ પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર શિલ્પા બેન દેસાઈને સોંપવામાં આવી હોવાની માહિતી મળી છે.
યાકુબ પટેલ, પાલેજ