માંગરોળ તાલુકાના નાની નરોલી ગામે આવેલ જીઆઈપીસીએલ કંપનીના જનરલ મેનેજરને ગ્રામ પંચાયતના સદસ્ય દ્વારા લેખિત રજૂઆત કરી ઘરવેરો અને વ્યવસાય વેરો નાની નારોલી ગ્રામ પંચાયતને નિયમ મુજબ આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી.
નાની નરોલી ગ્રામ પંચાયતના સદસ્ય અબ્દુલ દિવાને જણાવ્યું કે ગામના મહત્તમ ખેડૂતોએ આજથી 30 વર્ષ પહેલા જીઆઈપીસીએલ કંપનીમાં પોતાની જમીન ગુમાવી અસરગ્રસ્ત બન્યા છે પરંતુ કંપની દ્વારા નાની નરોલી ગામને આર્થિક સહયોગ યોગ્ય રીતે આપવામાં આવતો નથી આઠથી નવ લાખ રૂપિયા વેરો નાની-નરોલી ગામના લોકો ગ્રામ પંચાયતમાં ભરે છે તેની સામે નાની નરોલી ગામમાં આવેલ જીઆઇપીસીએલ કંપની કરોડો રૂપિયાનું વીજ ઉત્પાદન કરતી કંપની હોવા છતાં ગ્રામ પંચાયતને માત્ર 98,000 રૂપિયા વેરા પેટે આપે છે છેલ્લા કેટલાક સમયથી નાની નરોલી ગ્રામ પંચાયતને જીઆઇપીસીએલ કંપની નિયમ મુજબ ઘરવેરા અને વ્યવસાય વેરો નહીં આપતી હોવાની રજૂઆતો કરવામાં આવી રહી છે. આ મુદ્દે ગ્રામ પંચાયતના સદસ્ય એ ફરી એકવાર જીઆઈપીસીએલ કંપનીના જનરલ મેનેજર ને લેખિત રજૂઆત કરી જણાવ્યું કે ગુજરાત સરકારના પરિપત્ર મુજબ 2017 સુધી નાની નારોલી ગ્રામ પંચાયતને કંપની પાસે વ્યવસાય વેરો લેવાનો થાય છે પરંતુ કંપની દ્વારા જૂનો વ્યવસાય વેરો આપવામાં આવતો નથી. જીઆઇપીસીએલ કંપની દ્વારા ટાઉનશિપમાં નવા બાંધકામો ગ્રામ પંચાયતની મંજૂરી વગર કરવામાં આવ્યા છે અને ઉપરોક્ત મિલકતોનો વેરો ગ્રામ પંચાયતને આજ દિન સુધી મળ્યો નથી તેમજ નવી આકારણી મુજબનો ઘરવેરો કંપનીએ ચૂકવવાનો થાય છે તારીખ 9 જૂન સુધીમાં કંપની ઉપરોક્ત માંગણીઓ સંદર્ભે ઉકેલ નહીં લાવે તો ન છૂટકે ગ્રામ પંચાયતના ચૂંટાયેલા પ્રતિનિધિઓ દ્વારા સરકારી તંત્રમાં રજૂઆત કરાશે.
વિનોદ મૈસુરિયા : વાંકલ