વેજલપુરમાં ફેક્ટરી પાસે આવેલા પલાટીયસ હોમ્સ નજીકથી ગુરૂવારે વહેલી પરોઢે એસઓજીએ રૂ.૧.૨૨ લાખની મત્તાના એમડી ડ્રગ્સના જથ્થા એક આરોપીને ઝડપી લીધો હતો. આરોપીની પૂછપરછમાં ડ્રગ્સનો જથ્થો ફતેવાડીના શાહરૂખે સપ્લાય કર્યો હતો. બનાવને પગલે એસઓજીએ ડ્રગ્સના જથ્થા સાથે પકડાયેલા આરોપીની ધરપકડ કરી શાહરૂખની શોધખોળ હાથ ધરી હતી.
એસઓજીની ટીમે બાતમી આધારે વેજલપુર ફેકટરી પાસે આવેલા એએમટીએસ બસ સ્ટેન્ડ પાસે વોચ ગોઠવી હતી. પોલીસે બે સરકારી પંચોને જોડે રાખી પરોઢે ૪ વાગ્યાની આસપાસ દરિયાપુરના ડબગરવાડ ખાતે નાની હલીમની પોળમાં રહેતાં અનસ ઉર્ફ છેસો અબ્દુલસબુર શેખ (ઉં,૨૩)ને ૧૨.૨૦૦ ગ્રામ રૂ.૧,૨૨,૦૦૦ની મત્તાનો એમડી ડ્રગ્સના જથ્થા સાથે ઝડપી લીધો હતો. અનસે પોલીસને જણાવ્યું હતું કે, આ ડ્રગ્સનો જથ્થો ફતેવાડીમાં રહેતાં શાહરૂખે તેણે આપ્યો હતો. બનાવને પગલે પોલીસે શાહરૂખને ઝડપી લેવા તજવીજ શરૂ કરી છે. અનસ પાસેથી ડ્રગ્સ ઉપરાંત અન્ય ચીજવસ્તુઓ મળી કુલ રૂ.૧,૨૨,૬૦૦નો મુદ્દામાલ કબ્જે લેવાયો હતો. અનસ સહિતના અન્ય આરોપીઓ ડ્રગ્સનો જથ્થો છુટકમાં કોણે વેચતા, તે અંગે તપાસ ચાલી રહી છે. પોલીસે અનસ સાથે સંકળાયેલા તેના અન્ય સાગરિતો અંગે પણ પૂછપરછ હાથ ધરી છે.