અંકલેશ્વરમાં આવેલા હર્ષ પાર્ક એપાર્ટમેન્ટમાં ચાલતા દેહ વ્યાપારનો અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે પર્દાફાશ કર્યો છે. પોલીસે સ્થળ પરથી દેહ વ્યાપાર ચલાવતી એક મહિલા સહિત ચાર ગ્રાહકોને ઝડપી પાડ્યા હતા. જ્યારે દેહ વ્યાપારના ચૂંગાલમાં ફસાયેલી બે યુવતીને બચાવી લેવાઈ છે. પોલીસે પાંચેય આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
– હર્ષ એપાર્ટમેન્ટમાં આવેલા મકાનમાં દેહ વ્યાપાર ચાલતો હતો
અંકલેશ્વર શહેરમાં રોજગારી અર્થે અન્ય રાજ્યમાંથી અનેક પરપ્રાંતિય વ્યક્તિઓ રહે છે. તેમને આકર્ષવા કેટલાય વ્યક્તિઓ બહારથી યુવતીઓ લાવીને દેહ વ્યાપારનો ધંધાઓ છાની છુપી રીતે ચલાવતા હોય છે. ત્યારે અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે તેમના વિસ્તારમાં ચાલતા દેહ વ્યાપારનો પર્દાફાશ કર્યો છે. અંકલેશ્વર મામલતદાર ઓફિસની સામે આવેલી શુભમ રેસીડેન્સીની પાછળ હર્ષ પાર્ક એપાર્ટમેન્ટમાં મકાન નં. 101 તથા 102 રતન લક્ષ્મણ મારવાડી નામની મહિલા ઘરમાં દેહ વ્યાપાર ચલાવે છે.
– દેહ વ્યાપારમાં ફસાયેલી બે યુવતીઓને બચાવી લેવાઈ હતી
આ માહિતીના આધારે બી ડિવિઝન PI વી.યુ. ગડરીયા તથા સ્ટાફના માણસોએ સ્થળ તપાસ કરીને તે મકાનમાં રેડ કરતા દેહ વ્યાપારની મહિલા સંચાલિકા રતન લક્ષ્મણ મોહનભાઇ મારવાડી અને ચાર ગ્રાહક નામે મોહંમદ શારૂન નુઅલ હશન, ઇરસાદ ઇન્નીપાક ખાન, ચન્દ્રકાંત મગનલાલ પટેલ અને અરૂણ વિશ્રામ રાજપૂતને ઝડપી પાડ્યા હતા. પોલીસે તેમની પાસેથી મોબાઈલ નંગ 5 મળીને કુલ રૂ. 30 હજારનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. જ્યારે દેહ વ્યાપારમાં ફસાયેલી બે યુવતીઓને બચાવી મુક્ત કરવામાં આવી હતી. પોલીસે ઇમોરલ ટ્રાફિકીંગ એક્ટ 1956ની કલમ 3, 4, 5, 7 મુજબનો ગુનો નોંધીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.
– મહિલા સંચાલિકા વોટ્સએપ ઉપર ગ્રાહકોને ફોટા મોકલતી
હર્ષ એપાર્ટમેન્ટમાંથી પકડાયેલી મહિલા સંચાલિકા રતનબેન મારવાડીના અન્ય જિલ્લાઓમાં રહેતી અને દેહ વ્યાપારમાં સંડોવાયેલી મહિલાઓ સાથે પણ સંપર્ક હતો. તે મોબાઈલ ફોનથી વાત કરીને ‘આજ આવું કબ આવું’? પૂછીને તે કહે એટલે તેના ઘરે આવતી હતી. જ્યારે રતનબેન તેના ગ્રાહકોને મોબાઈલ વોટ્સએપ દ્વારા યુવતીઓના ફોટા મોકલીને પોતાનો ધંધો ચલાવતી હતી. આ તમામ પાસાઓ પર પોલીસે તપાસ શરૂ કરી છે.