ભરૂચ નગરપાલિકાની કામગીરીમાં લાલિયાવાડી ચાલતી હોવાની બુમરાણ અનેક વખતે સામે આવતી હોય છે. 11 વોર્ડ અને 44 જેટલાં જાગૃત નગર સેવકો હોવા છતાં શહેરની જનતાની સમસ્યાઓના નિરાકરણમાં યેનકેન પ્રકારે ઢીલાશ દાખવવામાં આવતી હોવાનું કહેવાઈ રહ્યું છે, શહેરના અનેક વિસ્તારોમાં ખુલ્લી ગટરો અને કાંસની સમસ્યા આજકાલ લોકો માટે પીડા સમાન બની છે, સામે ચોમાસે મસમોટી ખુલ્લી ગટરો અકસ્માતને આમંત્રણ આપતી હોય તેમ નજરે પડી રહી છે.
ભરૂચના વોર્ડ નંબર 5 માં પણ અનેક સ્થળે ખુલ્લી ગટરો આવેલી છે, કોટેક મહિન્દ્રા બેન્ક પાસે પણ ખુલ્લી ગટરોના કારણે આસપાસના લોકો તેમજ રાહદારીઓ માટે જોખમ સમાન સ્થિતિ સર્જાઈ હોવાનું કહેવાઈ રહ્યું છે, સમગ્ર મામલે અનેકવાર જાગૃત નાગરિકો દ્વારા પાલિકામાં રજુઆત કરવામાં આવી છે, છતાં કોઈ કામગીરી ન થતા આખરે સ્થાનિકોએ સ્થળ ઉપરના ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ કરી પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે ચોમાસાની ઋતુને માંડ ગણતરીના દિવસો બાકી રહ્યા છે, વરસાદી માહોલના પગલે આ પ્રકારની ખુલ્લી ગટરો ઉભરાવવાની સમસ્યા સર્જાતી હોય છે, જે બાદ અકસ્માતની ઘટનાઓ પણ સામે આવતી હોય છે, આમ તો પાલિકા દ્વારા પ્રિ મોન્સૂન કામગીરી પૂરજોશમાં કરવામાં આવે છે, જેની પાછળ પ્રજાના લાખો રૂપિયા ખર્ચવામાં આવે છે પરંતુ આ પ્રકારની ખુલ્લી ગટરો અને કાંસ ચોમાસાની ઋતુમાં પાલિકાની કામગીરીની પોલ ખોલી નાંખે છે, તેવામાં પાલિકાનું તંત્ર વહેલી તકે આ પ્રકારની ખુલ્લી ગટરો અને કાંસને સાફ સફાઈ કરી યોગ્ય રીતે તેનું રીપેરીંગ કાર્ય હાથ ધરે તેવી લોક માંગ ઉઠવા પામી છે.
ભરૂચ વોર્ડ નંબર 5 માં ખુલ્લી ગટરોના કારણે સ્થાનિકો ત્રાહિમામ, પાલિકામાં અનેક રજુઆતો છતાં પરિણામ શૂન્ય
Advertisement