(વિશાલ મિસ્ત્રી રાજપીપળા)
નર્મદા જિલ્લામાં અમદાવાદના ચાંગોદર ગામની એક ખાનગી કંપનીના કર્મચારીઓ પ્રવાસે આવ્યા હતા. ત્યારે પરત ફરતી વેળાએ એમની લક્ઝરીનું તિલકવાડાના ઉતાવળી ગામ પાસે રોડનું કામ કરતાં રોલર સાથે અકસ્માત થયો હતો. જેથી લક્ઝરીના નુકસાનીની વસૂલાત માટે લક્ઝરીના ચાલક અને કન્ડક્ટરે રોડ સુપરવાઈઝર સહિત 2 લોકોનું અપહરણ કરી માર માર્યો હતો. આ બાબતે તિલકવાડા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે. તિલકવાડા પોલીસે ફરિયાદને આધારે 5 વ્યક્તિ સામે અપહરણનો ગુનો નોંધી ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે.
નર્મદા જિલ્લામાં હાલ સ્ટેચ્યુ ઓફ યુનિટીનું નિર્માણને લઈને ડભોઈથી કેવડિયા સુધી ફોરલેન રોડનું કામ હાલ ચાલી રહ્યું છે. અનેક જગ્યાએ આ કામ ચાલતું હોવાથી અડચણ આવે એ સ્વાભાવિક છે.હવે ગત 9 મીએ અમદાવાદના ચાંગોદર ગામની એક ખાનગી કંપનીના કર્મચારીઓ GJ 03BT 6667 નંબરની લક્ઝરી બસમાં નર્મદા જિલ્લાના પ્રવાસે આવ્યા હતા.તેઓ મોડી રાત્રે પ્રવાસ પતાવી પરત ફરી રહ્યા હતા ત્યારે એમની લક્ઝરીના ચાલકે ડાયવર્ઝન તોડી આગળ જવાની કોશિશ કરતાં એમની લક્ઝરીનો તિલકવાડાના ઉતાવળી ગામ પાસે ફોરલેન રોડનું કામ કરતા એક રોલર સાથે અકસ્માત થયો હતો. બાદ લક્ઝરીમાંથી ઊતરી ડ્રાઇવર અને કન્ડક્ટરે રોલર ચાલક અશ્વિન ડામોરને માર માર્યો હતો. ત્યારે રોડ કામના સુપરવાઈઝર સંદીપસિંહ ઝનુભ ઝાલા તથા મહેશ લેમ્બા ડામોરે વચ્ચે દરમિયાનગીરી કરતા ડ્રાઇવર-કંડક્ટરે એ બંનેને લક્ઝરી બસનું નુકસાન વસૂલ કરવા બળજબરીથી લક્ઝરીમાં બેસાડી લઈ જઈ અન્ય 3 વ્યક્તિઓ સાથે મળી એમને માર માર્યો હતો. જોકે, રોડ કન્સ્ટ્રક્શન કંપનીના માલિકે આ બાબતે પોલીસને જાણ કરતા પોલીસે વડોદરા પોલીસે નાકાબંધી કરી વહેલી સવારે 5 વાગે વડોદરા એક્સપ્રેસ હાઇવે પર આ બંને બંધકોને છોડાવી આખી લક્ઝરી બસને નર્મદા જિલ્લાના તિલકવાડા પોલીસ મથકે લવાઈ હતી.
અંતે તિલકવાડા પોલીસે લક્ઝરી બસ કબજે કરી બસ ચાલક મોહસીન શરીફ સીંડા, કંડક્ટર તુષાર કિશોર કોઠરિયા (બંને રહે.,જૂનાગઢ) અને એમને સાથ આપનાર રસોઈયો વિનાયક સદાશિવ જાધવ (રહે.,અમદાવાદ), બિપીન વલ્લભ દેત્રોજ (રહે.,બાપુનગર,અમદાવાદ) તથા કનુ જાધવ પટેલ (રહે.,ઠક્કરનગર, અમદાવાદ) સહિત 5 લોકો સામે અપહરણનો ગુનો નોંધી ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે. વધુમાં તિલકવાડા પોલીસની ગુના સંદર્ભે કાર્યવાહી દરમિયાન લક્ઝરીમાં સવાર મુસાફરો પણ બિચારા અટવાયા હતા.
આ બાબતે અપહરણ થયેલા સુપરવાઈઝર સંદીપ ઝાલાએ જણાવ્યું હતું કે, લક્ઝરીના નુકસાની પેટે ડ્રાઇવર-કન્ડક્ટરે અમારી પાસે મોટી રકમની માંગણી કરી હતી. પરંતુ સ્થળ પર એ રકમ ના હોવાથી અમારું અપહરણ કરાયું હતું. દરમિયાન નજીકના બૂંજેઠા ગામ પાસે પોલીસ ચેકિંગ દરમિયાન એમણે અમારા મોંમાં ડૂચા મારી નેશનલ હાઇવે સુધી લઈ જવાયા હતા.અને ત્યાં વડોદરા પોલીસે પીછો કરી અમને બંધનમાંથી મુક્ત કરાવ્યા હતા.