નડિયાદ શહેરમાં વહેલી સવારે દુધ લેવા નીકળેલા વૃધ્ધને રખડતા ઢોરે શિંગડે ચઢાવતા વૃધ્ધને ગંભીર ઈજાઓ પહોંચી છે. શહેરના રબારી વાસ વિસ્તારમાં બનેલા બનાવને પગલે ફરી એકવાર નગરપાલિકા દ્વારા રખડતા ઢોરોને પકડવા થઈ રહેલી કામગીરી પ્રત્યેની બેદરકારી છતી થઇ છે. ઘટનાને પગલે સ્થાનિકોએ ફોન કરતા સ્થળ પર પહોંચેલી પાલિકાની ટીમે ગાયને પકડી થાંભલા સાથે બાંધી દીધી હતી. પરંતુ જો આ રખડતા ઢોરોને પકડવાની કામગીરી નિયમિત કરવામાં આવે તો આ પ્રકારના બનાવોને બનતા અટકાવી શકાય તેમ છે.
નડિયાદ શહેરમાં રખડતા ઢોરોનો ભોગ બનતા ભુતકાળમાં લોકોને જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. પરંતુ પલિકા ફક્ત તમાશો જોઈ રહી છે. મુખ્યમંત્રીના આગમનના 24 કલાક પહેલા કઈક આ સ્થિતિ નડિયાદ શહેરમાં જોવા મળી. 72 વર્ષીય ઈન્દુભાઈ છનગનભાઈ મિસ્ત્રી સવારે 6 વાગ્યે રબારી વાસ પાસેથી દુધ લેવા જઈ રહ્યા હતા. તે સમયે ગાયે તેમને શીંગડે ચડાવ્યા હતા. વૃધ્ધને શિંગડે ચઢાવતા પાચ ફુટ હવામાં ફંગોળાઈને જમીન પર પટકાયા હતા. જેના કારણે તેઓને માથા તથા શરીરના ભાગે ગંભીર ઇજાઓ થઇ હતી જેથી નાક અને મો માંથી લોહી નીકળવા લાગ્યું હતું. ઘટનામાં ગંભીર રીતે ઘવાયેલા વૃધ્ધને સ્થાનિકો દ્વારા તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
નરેશ ગનવાણી : નડિયાદ