નડિયાદ સ્થિત ડીસ્ટ્રીકટ સ્પોર્ટસ સંકુલમાં યોજાયેલા સમારંભમાં ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને સાંસદ ખેલ સ્પર્ધા ૨૦૨૩ ના પ્રાયોજક કેન્દ્રીય મંત્રી અને ખેડાના સાંસદ દેવુસિંહ ચૌહાણની ઉપસ્થિતિમાં સ્પર્ધાની વિવિધ રમતોના વિજેતા ખેલાડીઓને મેડલ અને પ્રમાણપત્રો એનાયત કરી પ્રોત્સાહિત કરાયા હતા. આ પ્રસંગે ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે રાસ્સાખેંચ સ્પર્ધાનો ટોસ ઉછાળી સ્પર્ધાનો પ્રારંભ કરાવ્યો હતો.
મેડલ અને ઇનામ વિતરણ સમારંભમાં ગુજરાતના મુખ્યપ્રધાન ભુપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી જયારે ગુજરાતના મુખ્યપ્રધાન હતા ત્યારે ખેલ મહાકુંભની શરૂઆત કરાવી હતી. જેનો ઉદ્દેશ રમતવીરો અને સમાન્યજનમાં રહેલા રમતગમતના કૌશલ્યોને ઉજાગર કરવાનો હતો. જેના પગલે દેશ અને દુનિયાભરમાં આપણા ખેલાડીઓ નામ રોશન કરી રહ્યા છે. આગામી ૨૮ મી મે ના રોજ દેશના વડાપ્રધાન રાષ્ટ્રના નવનિર્મિત ભવ્ય સંસદભવનનું લોકાર્પણ કરવા જઈ રહ્યા છે ત્યારે ૧૯ જેટલા વિપક્ષો તેની સામે વિરોધ નોંધાવી રહ્યા છે. તે વિપક્ષો પર મુખ્યપ્રધાન ભુપેન્દ્રભાઈ પટેલે આકરા શાબ્દિક પ્રહારો કરતા જણાવ્યું હતું કે, વિપક્ષોનો વિરોધ ખૂબ જ નિંદનીય બાબત છે. લોકતંત્રના મૂલ્યો પરનો કુઠરાઘાત છે. સંસદ એ લોકશાહીનું મંદિર છે તેના લોકાર્પણનો વિરોધ એ લોકતંત્રની ગરિમાનો વિરોધ છે. ખેડા લોકસભાની તમામ વિધાનસભાના ધારાસભ્યો, સહિત આણંદ અમુલ ડેરીના ચેરમેન વિપુલભાઈ પટેલ, ગુજરાત પ્રદેશ ભાજપના મંત્રી જાહનવીબેન વ્યાસ, ખેડા જિલ્લા પંચાયત પ્રમુખ નયનાબેન પટેલ અન્ય અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
ઉલ્લેખનીય છે કે સાંસદ ખેલ સ્પર્ધામાં વોલીબોલ, કબડ્ડી, રસ્તા ખેંચ, લીંબુ ચમચી, કોથળા દોડ, કરાટે, સ્કેટિંગ જેવી સ્પર્ધાઓમાં અંદાજિત ૧૦ હજાર જેટલા ખેલાડીઓએ પોતાનું રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. જે નોંધપાત્ર બાબત છે. આજની નવી પેઢી ટીવી અને મોબાઈલમાંથી સમય લઈને રમત ગમતના મેદાન તરફ વળે એવા અભિગમ સાથે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સહુ સાંસદોને પોતાના વિસ્તારમાં ખેલ સ્પર્ધાઓ યોજવા પ્રેરણા આપી હતી.
જેના પગલે ખેડાના સાંસદ અને કેન્દ્રીય સંચાર રાજ્ય મંત્રી દેવુસિંહ ચૌહાણ એ પોતાના લોકસભા વિસ્તારમાં સતત બીજા વર્ષે આ ખેલ સ્પર્ધાઓનું સફળતાપૂર્વક આયોજન કર્યું હતું એટલું જ નહીં આ સ્પર્ધાઓ જ્યાં યોજાઈ ત્યાં રમતો પૂર્વે ખેલાડીઓ અને ઉપસ્થિત સૌને રાષ્ટ્રભાવના ઉજાગર કરતી નવતર પહેલના ભાગરૂપે ભારતના પ્રતિજ્ઞા પત્રનો પણ કેન્દ્રીય મંત્રી દેવુસિંહ ચૌહાણએ પઠન કરવા કરાવવા અપીલ કરી હતી. જેને સૌએ વ્યાપક પ્રતિભાવ આપ્યો હતો એમ આ સ્પર્ધાના સંયોજકો પૈકી મનોજભાઈ ત્રિવેદી અને પ્રિતેશભાઈ પટેલે જણાવ્યું હતું.
નરેશ ગનવાણી : નડિયાદ