વડોદરા જિલ્લાના કરજણ જુના બજાર વિસ્તારમાંથી પસાર થતા ઓવરબ્રિજ ઉપરથી ગતરોજ મોડી સાંજે એક આઇશર ટેમ્પો રેલીંગ તોડી નીચે ખાબકતા અફરાતફરી સાથે દોડધામ મચી જવા પામી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર એક આઇસર ટેમ્પો કરજણ તાલુકાના ગંધારા ગામેથી દિવેલી ભરી કરજણ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાં વેચાણ માટે આવી રહ્યો હતો. કરજણ આમોદ બ્રિજ પર ટેમ્પાનું ટાયર ફાટતા ટેમ્પો બ્રિજ ઉપરથી નીચે ખાબકતા લોકોના શ્વાસ અધ્ધર થઈ જવા પામ્યા હતા.
તંત્ર દ્વારા ભારદારી વાહનો માટે જે એંગલો મારેલી હતી તેને કાપી નાખેલી એંગલમાં આઇસર ટેમ્પાનું વ્હીલ અડી જતા આઇસર ટેમ્પાનું ટાયર ફાટી જવાથી ટેમ્પા ચલાકનું સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા આઇસર ટેમ્પો પલ્ટી મારી ગયો હતી. ટેમ્પામાં ડ્રાઇવર સાથે મજૂરો પણ હતા. ટેમ્પો પલ્ટી જતા મજૂરોને નાની મોટી ઇજા થવા પામી હતી. ઘટના સ્થળે લોક ટોળા ઉમટી પડ્યા હતા. ઘટનાની જાણ થતા ઇમર્જન્સી ૧૦૮ એમ્બયુલેન્સ પણ આવી ગઈ હતી ઈજાગ્રસ્ત લોકોને કરજણ સામુહિક આરોગ્ય હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા. સદનસીબે જાનહાની ટળી જતા લોકોએ હાશકારો અનુભવ્યો હતો.
યાકુબ પટેલ, કરજણ