ઉમરપાડા તાલુકાના ચીતલદા ગામે દૂધ ઉત્પાદક સહકારી મંડળી અને લોક સહકાર થકી નિર્માણ પામેલ બિરસા મુંડા સાર્વજનિક પુસ્તકાલયનું ઉદ્ઘાટન ધારાસભ્ય ગણપતભાઈ વસાવાના હસ્તે કરાયું હતુ. ચીતલદાના વતની અને શિક્ષક તરીકે ફરજ બજાવતા અરુણભાઈ વસાવાના પ્રયત્નો થકી અને દૂધ ઉત્પાદક સહકારી મંડળીના સહિયારા પ્રયાસ થકી આ પુસ્તકાલયનું નિર્માણ કરાયું હતું. આ પ્રસંગે અધ્યક્ષ સ્થાનેથી સંબોધન કરતા ધારાસભ્ય ગણપતભાઈ એ જણાવ્યું કે આ પુસ્તકાલય ફક્ત ચીતલદા પુરતુ નહીં પરંતુ આસપાસના અન્ય ગામડાંઓ માટે પણ ઉપયોગી સાબિત થશે. સમાજને શિક્ષણની તાતી જરૂર છે સાથે લાઈબ્રેરી પણ એટલી જ ઉપયોગી છે. આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી આદિવાસીઓના શૈક્ષણિક ઉત્થાન માટે સતત કામગીરી કરી રહ્યા છે સાથે સરકાર પણ સતત પ્રયત્નશીલ છે. ધારાસભ્ય ગણપતભાઈએ લાયબ્રેરી માટે 21000/- ની રોકડ અનુદાન આપ્યું હતું તેમજ ભવિષ્યમાં જરૂરિયાત મુજબની તમામ સહાય પૂરી પાડવાની તૈયારી દર્શાવેલ હતી. સમાજ અને યુવાનોના ભવિષ્ય નિર્માણના આ પ્રસંગે ઉપસ્થિત રહેનાર તમામ સ્નેહીજનો, માંડવી તાલુકાના સાથી શિક્ષક મિત્રો, અન્ય વિસ્તારમાંથી પધારેલ શિક્ષણ પ્રેમીઓ, તાલુકાના સામાજીક અને રાજકીય આગેવાનો તેમજ ચીતલદા ના યુવા મિત્રો, બહેનો, ભાઈઓ અને નાના ભૂલકાઓનો સ્થાનિક યુવા કાર્યકર અરુણભાઈ એ આભાર માન્યો હતો.
વિનોદ મૈસુરિયા : વાંકલ