ભરૂચ જિલ્લા કલેકટર કચેરી ખાતે ૫ દિવસના પ્રતિક ઉપવાસ આંદોલન પર બસે તે પહેલાં જીલ્લાના અંદાજીત ૧૫૦ ખેડૂતોની હંગામી અટકાયત કરાઇ છે, અંકલેશ્વર શહેર એ ડીવીઝન પોલીસ મથકની હદમાં આવતા એક્સ્પ્રેસ હાઇવેમાં જમીન ગુમાવનાર અંદાજીત ૫૦ જેટલા ખેડૂતોની અટક કરાઇ છે.
ખેડૂતો એ રાજ્ય અને કેન્દ્ર સરકાર સામે તીખા પ્રહારો કરી સંવેદનશીલ સરકાર ની સંવેદના ભરૂચના ખેડૂતો માટે નહીં હોવાનું નિવેદન આપ્યું છે, સાથે જ રોષ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે અંગ્રેજોની ગુલામીમાં અઝાદી ઇચ્છતા મહાત્મા ગાંધી આંદોલન કરી શકતા હતા પણ ભરૂચમાં ખેડૂતોને પોલીસના જોરે આંદોલન પણ નથી કરવા દેવામાં આવતા તેવા આક્ષેપો કરવામાં આવ્યા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાય સમયથી ભરૂચ જિલ્લામાં જમીન વળતરની માંગ સાથે ખેડૂતો આંદોલન કરી રહ્યા છે, ખેડૂતોએ દક્ષિણ ગુજરાતના અન્ય જિલ્લામાં અપાયેલ ચૂકવણાની બાબતને આગળ ધરી તંત્ર તેઓને પણ યોગ્ય ચુકવણું આપે તેવી માંગ ઉચ્ચારવામાં આવી હતી જે બાદ આજે ખેડૂતો કલેકટર કચેરી એ આંદોલન કરે તે પહેલા જ પોલીસ દ્વારા તમામની અટકાયત કરવામાં આવી હતી.