નડીયાદ પીજ રોડ ઓમપાર્ક કોમ્પલેક્ષમાં રહેતા અમીતભાઈ રજનીકાન્તભાઈ જોષી જે ડાકોર એસટી ડેપોમાં ફરજ બજાવે છે. તા.૩ એપ્રિલ ૨૩ ના રોજ તેમના ફોનમાં ધની ફાઈનાન્સમાંથી ધર્મેન્દ્રભાઈ બોલું છું તમારે લોન માટે કોઈ એપ્લાય છે. તેમ કહેતા તેમને લોનની જરૂર હોય તેમણે વાતચીત કરતા સામેની શખ્સે આધારકાર્ડ, પાનકાર્ડ, બેંકની પાસબુકનો ફોટો વોટ્સઅપ પર મંગાવ્યા હતા. અને તમારી ત્રણ લાખ રૂપિયાની લોન પાસ થઈ ગઈ છે તેમ જણાવ્યું હતું. તમારે પ્રોસેસીંગ ફી પેટે રૂ. ૭૫૦ આપવાના રહેશે તેમ કહું હતું અને અમીતભાઈએ રૂપિયા ચૂકવ્યા હતા જેથી તેણે એપ્રુવલ લેટર અને એગ્રીમેન્ટ પેપર મોકલી આપ્યા હતા. ત્યારબાદ ફરીથી રૂ.૩ હજાર ૧૯૯, બાદ જીએસટી પેટે રૂ.૭ હજાર ૫૦૦, અને ફરીથી રૂ.૯ હજાર ૫૫૦ ટ્રાન્સફર કરાવી કુલ રૂ.૨૦ હજાર ૯૯૯ ટ્રાન્સફર કરાવ્યા હતા. એન.ઈ.એફ.ટી.ચાર્જ પેટે રૂ.૧૬ હજાર ૫૦૦ ની માંગણી કરતાં અમીતભાઈએ બેંકોમાં પૈસા ટ્રાન્સફર બાબતે ચાર્જ લાગતો નથી. તમે જે લોન પાસ કરો છો તેમાંથી રૂપિયા કાપી લેજો તેમ કહેતા સામેની વ્યક્તિએ રૂપિયા ટ્રાન્સફર કરવા દબાણ કર્યું હતું. બીજા દિવસે ફોન કરી અડધા રૂપિયા ટ્રાન્સફર કરી દેવાનું કહેતા પોતે ઓનલાઈન ફ્રોડનો ભોગ બન્યાનું જાણ થતાં અમીતભાઈએ નડિયાદ પશ્ચિમ પોલીસ મથકે છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી.
નરેશ ગનવાણી : નડિયાદ