એકતાનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના નેતૃત્વમાં યોજાઇ રહેલી દસમી ચિંતન શિબિરના બીજા દિવસે પ્રભાત વેળાએ રાજ્ય સરકારના વરિષ્ઠ મંત્રીઓ, સચિવ સહિત વિવિધ જિલ્લાના સનદી અધિકારીઓએ વૈશ્વિક ધરોહર સ્ટેચ્યુ ઓફ યુનિટી એકતાનગર ખાતેના વિવિધ પ્રકલ્પોની મુલાકાત લીધી હતી.
મહેમાનોએ સુંવાળા સૂર્યોદયના શાંત વાતાવરણમાં એકતાનગર ખાતેના પ્રખ્યાત પર્યટન સ્થળ સરદાર વલ્લભભાઇ પટેલ ઝૂલોજીકલ પાર્ક-જંગલ સફારીનો અદભુત નજારો માન્યો હતો. પક્ષીઓના સુમધુર કલરવથી મંત્રમુગ્ધ થતા સૌ મહેમાનોને ઇન્ચાર્જ નાયબ વન સંરક્ષક ડો.રામ રતન નાલાએ પ્રેમાળ અને લાગણીશીલ પ્રાણી-પક્ષીઓની લેવામાં આવતી કાળજી, આરોગ્ય અને સુરક્ષા અંગે સૌ મહેમાનોને વાકેફ કર્યા હતા. જંગલ સફારીમાં દેશ-વિદેશના પક્ષી-પ્રાણીઓને નિહાળતા મહેમાનોએ મકાઉ પોપટ, ડુમખલ પોપટ સહિત સુડો પોપટ (શુલપાણેશ્વર પહાડી પોપટ) સાથે લાગણીશીલ ક્ષણો વ્યતિત કરીને પક્ષીઓને ગમતી વાનગી ખવડાવી હતી.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિઝન અને દિશા નિર્દેશમાં ફક્ત ૮ મહિનાના ટુંકા ગાળામાં ‘શ્રીયંત્ર’ ના આકારના યુનિક કોન્સેપ્ટ સાથે ડિઝાઇન કરવામાં આવેલ નિર્માનાધિન મેઝ (ભુલભુલૈયા) ગાર્ડનની સૌ મહેમાનોએ પણ મુલાકાત લીધી હતી. માનવામાં આવે છે કે શ્રીયંત્ર વાતાવરણમાં પોઝિટિવ એનર્જી એટલે કે હકારાત્મક ઊર્જાનું સંચાર કરે છે.
સનદી અધિકારીઓએ “વેલી ઓફ ફ્લાવર” ની મુલાકાત લઈને પ્રાકૃતિક સૌંદર્યની એક નાનકડી ઝલકના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. વેલી ઓફ ફ્લાવર્સના પટાંગણમાંથી જ મહેમાનોએ સરદાર સાહેબની વિશ્વની સૌથી વિરાટ શિલ્પની ભવ્યતાના દર્શન કર્યા હતા. મહેમાનોએ ખાસ ડાયનો ટ્રેલની પણ વિઝિટ કરી હતી.
સરદાર સરોવર નૌકા વિહાર ખાતે બોટિંગ સાથે નર્મદા જિલ્લાને કુદરતે મન મુકીને આપેલી પ્રાકૃતિક સૌંદર્યને નિહાળીને પરમ આનંદનો અનુભવ કર્યો હતો. જે પંચમૂળી તળાવ તરીકે જાણીતું છે. મહેમાનોએ આ સફર દરમિયાન પ્રાકૃતિક સૌંદર્ય સહિત વિવિધ વનસ્પતિ અને પ્રેમાળ પક્ષીઓની સમૃદ્ધ સૃષ્ટિને જોઈને ધન્યતા અનુભવી હતી.
“ટીમ ગુજરાત” એ વ્યૂહ પોઇન્ટ-૩ થી ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમને નિહાળીને ગાઈડ મિત્ર પાસેથી ડેમની વિશેષતા અને નિર્માણ કાર્યની ઝીણવટપૂર્ણ માહિતીથી વાકેફ થયા હતા.
દીપક જગતાપ, રાજપીપલા