Proud of Gujarat
FeaturedGujaratINDIA

રાજ્ય સરકારની 10 મી ચિંતન શિબિરનો એકતાનગર-સ્ટેચ્યુ ઓફ યુનિટીથી પ્રારંભ કરાવતાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

Share

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે રાજ્ય સરકારની ૧૦ મી ચિંતન શિબિરનો એકતાનગરથી પ્રારંભ કરાવતા સ્પષ્ટપણે જણાવ્યું કે, ‘મેં નહીં હમ’ ના ભાવ સાથે યોજાતી ચિંતન શિબીરો ગવર્નન્સમાં મોટા ચેન્જ લાવવાનું સક્ષમ માધ્યમ બની છે. આ સંદર્ભમાં તેમણે કહ્યું કે, ચિંતન શિબિર માટેના પરસેપ્શન ભલે જુદા હોય પરંતુ રીઝલ્ટ મેથેમેટિક્સ-ગણિતના દાખલા જેવું એક અને સચોટ હોય છે, જેમાં સરવાળાનો જવાબ એક જ આવે છે. આવી ચિંતન શિબિરમાં આપણા સૌના મંથનની દિશા એક હોય ત્યારે ‘સૌના સાથ, સૌના વિકાસ’ની ભાવના અવશ્ય ચરિતાર્થ થાય જ, એમ તેમણે ઉમેર્યું હતું.

મુખ્યમંત્રીએ શિબિરના પ્રારંભે પ્રસ્તુત થયેલા મનુષ્ય ગૌરવ ગાન, મનુષ્ય તું બડા મહાન મહાન હૈનો ભાવ આગવી શૈલીથી વર્ણતા જણાવ્યું કે, જો માનવીમાં કંઈક કરવાનો ભાવ હોય, ‘મારે પણ કઈ સારું કરવું છે’ તેવી ખેવના હોય તો અવશ્ય પરિણામ મળે જ છે. તેમણે આ અંગે રામસેતુ નિર્માણમાં નાનકડી ખિસકોલીના અને જંગલમાં લાગેલી આગ બુજાવવા ચાંચમાં પાણી લઈને જતી ચકલીના યોગદાનના ભાવનાત્મક દ્રષ્ટાંતો આપ્યા હતાં.

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે કહ્યું કે, વિકાસ માટેની પ્રતિબદ્ધતા, સામાન્ય માનવીના સુખ-સુવિધા માટેનો ભાવ દરેક વ્યક્તિમાં પડેલો જ હોય છે. આવી ચિંતન શિબિરની ચર્ચા-મંથન તેને બહાર લાવવાનું કામ કરે છે.
તેમણે એવી ટકોર પણ કરી કે, આવી ચર્ચાઓ વખતે મુક્ત મને વિચારની અભિવ્યક્તિ થાય તે પણ જરૂરી છે. અન્યથા યોજનાઓ, વિકાસ કામોની ફિલ્ડમાં સાર્થકતા યોગ્ય રીતે નહીં થઈ શકે. મુખ્યમંત્રીએ દેશ અને દુનિયામાં ગુજરાતના વિકાસની નવી ઊંચાઈ વડાપ્રધાન નરેન્દ્રભાઈના નેતૃત્વમાં પ્રસ્થાપિત થઈ છે તેના પાયામાં વિકાસની રાજનીતિ અને ચિંતન શિબિરના સામૂહિક વિચાર ચિંતન રહેલા છે તેવો સૂર પણ વ્યક્ત કર્યો હતો. તેમણે સ્પષ્ટપણે કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી શાસનમાં આવ્યા એ પહેલાં રાજનીતિમાં વિકાસ શબ્દને કોઈ સ્થાન ન હતું. હવે વડાપ્રધાનને પરિણામે વિકાસની રાજનીતિ વિકસી છે, વિકાસના આધારે જનાધાર- જનમત ઘડાઈ રહ્યા છે. અલગ અલગ રાજ્યો વચ્ચે વિકાસ બાબતે કમ્પેરીઝન અને હેલ્ધી કોમ્પિટિશન થઈ રહી છે. મુખ્યમંત્રીએ કહ્યું કે, ગુજરાત વિકાસના મોટાભાગના માનાંકોમાં અગ્રેસર છે, ગુજરાતે દરેક ક્ષેત્રે લીડ લીધી છે. આપણી પાસે સંસાધનોની કોઇ કમી નથી ત્યારે એક પણ વ્યક્તિ લાભથી વંચિત ન રહે તે જોવા તેમણે અનુરોધ કર્યો હતો. ભૂપેન્દ્ર પટેલે ઉમેર્યું કે, સરદાર પટેલે આઝાદી બાદ ભારતને એક કર્યો, તેને શ્રેષ્ઠ બનાવવાનું કામ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી કરી રહ્યા છે. આ એક ભારત શ્રેષ્ઠ ભારતની સંકલ્પના સાકાર કરવા દેશના રાજ્યો વચ્ચે તેમની સારી બાબતોનું પરસ્પર આદાન પ્રદાન થાય તેવી વ્યવસ્થા તેમણે ઉભી કરી છે.

સૌરાષ્ટ્ર તામીલ સંગમ અને માધવપુર ઘેડનો મેળો તેના ઉત્તમ ઉદાહરણો છે તેમ જણાવતા મુખ્યમંત્રીએ કહ્યું કે આના પરિણામે ગુજરાત અને અન્ય રાજ્યો વચ્ચે સાંસ્કૃતિક બાબતો અને વેપાર વણજ વિકસ્યા છે.
જે સારૂ છે તેનો લાભ સૌને મળે, આમ સરવાળે ‘એક ભારત શ્રેષ્ઠ ભારત’ બને તેવી વડાપ્રધાનની નેમ છે, તેમ તેમેણે ઉમેર્યું હતું. નાણામંત્રી કનુભાઈ દેસાઈએ આ પ્રસંગે જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ કંડારેલા વિકાસપથ પર ગુજરાત સતત આગળ વધી રહ્યુ છે. આજે ગુજરાતની આ વિકાસયાત્રા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના નેતૃત્વ હેઠળ હરણફાળ ભરી રહી છે. નાણાં મંત્રીએ ઉમેર્યું કે, વડાપ્રધાન જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેમણે વહીવટના દરેક તબક્કે ફરજ બજાવતા અધિકારીઓ અને ચૂંટાયેલી પાંખને સાથે રાખી સરકારના વિઝન અને મિશનને ઓપ આપવા ચિંતન શિબિર નામનું પ્લેટફોર્મ ઉભું કર્યું હતું. જે આજે ગુજરાતમાં જ નહિ, રાષ્ટ્રિય કક્ષાએ અને અનેક રાજ્યોમાં પણ વિસ્તર્યું છે. મંત્રીઓ અને અધિકારી-કર્મચારીઓ રાજયના વહીવટ સાથે સંકળાયેલ સેવા સમર્પિત કર્મયોગીઓ છે તેમ જણાવતા નાણામંત્રીએ ઉમેર્યું કે, નાગરિકોની આશા, આકાંક્ષાઓ અને અપેક્ષાઓ સમજીને યોજના બનાવવી અને બનેલી યોજનાના લાભો છેક છેવાડાના લાભાર્થી સુધી પહોંચાડવા તે આપણી સૌની જવાબદારી છે. નીતિ આયોગ દ્વારા ગુજરાતની શ્રેષ્ઠ નાણાકીય વ્યવસ્થાપનની નોંધ લેવામાં આવી છે, તે ગુજરાતીઓ માટે ગૌરવની વાત છે. “એક ભારત, શ્રેષ્ઠ ભારત” તથા “આત્મનિર્ભર ગુજરાત થકી આત્મનિર્ભર ભારત” ના સંકલ્પને સાકાર કરવા આ ચિંતન શિબિર ઉદ્દીપક તરીકે કામ કરશે એવો વિશ્વાસ મંત્રીએ વ્યક્ત કર્યો હતો. મુખ્ય સચિવ રાજકુમારે અગાઉ યોજાઈ ગયેલી ચિંતન શિબિરોની યાદોને વાગોળતા જણાવ્યું હતું કે અગાઉની ચિંતન શિબિરમાં થયેલી ચર્ચાના આધારે જે ભલામણો થઈ તેના પર નિર્ણય લેવાથી વહીવટમાં ઘણી ગતિ આવી છે. ચિંતન શિબિરના એજન્ડા નક્કી કરવા માટે જે મનોમંથન કરવામાં આવ્યું તેની ગુણવત્તાની પ્રશંસા કરી અને સબંધિત અધિકારીઓને તેમણે અભિનંદન પાઠવ્યા હતા. છેલ્લા પાંચ છ વર્ષમાં બનેલા મહત્વના પ્રસંગો પર પ્રકાશ પાડતા મુખ્ય સચિવએ જણાવ્યું હતું કે, સંયુક્ત રાષ્ટ્ર દ્વારા નક્કી કરાયેલા સસ્ટેઈનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ હાંસલ કરવા માટે તેમજ કોન્ફરન્સ ઓફ પેરીસમાં ૨૦૭૦ સુધીમાં નેટ ઝીરો કાર્બન ઉત્સર્જનનો લક્ષ્ય હાંસલ કરવા ભારતે લીધેલી પ્રતિજ્ઞાને સાર્થક કરવા ચિંતન શિબિરમાં સૌએ મનોમંથન કરવું પડશે. આ ઉપરાંત, ગુજરાતના બજેટમાં જણાવેલા પાંચ સ્તંભો હેઠળ નક્કી કરેલા લક્ષ્યાંકો હાંસલ કરવા પણ ચિંતન કરવું પડશે. તેમણે ઉમેર્યું હતું કે ગુજરાતમાં સંસાધનોની કોઈ જ ઊણપ નથી. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે ચિંતન શિબિરનો નિષ્કર્ષ, વિકસિત ગુજરાત થકી વિકસિત ભારતનો ધ્યેય સાકાર કરવામાં મહત્વપૂર્ણ બનશે.

અગ્ર સચિવ મોહમંદ શાહિદે સ્વાગત પ્રવચનમાં જણાવ્યું કે, વહીવટમાં સરળીકરણ, ગતિશીલતા અને જનહિતલક્ષી સુશાસન માટે ચિંતન શિબિર ઉપયોગી બનશે. નરેન્દ્રભાઇ મોદીએ તેમના મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળમાં પ્રારંભ કરેલી ચિંતન શિબિરની આગવી પ્રણાલી આજે પણ જીવંત રહી છે એમ જણાવી તેમણે ત્રિ-દિવસીય શિબિરની રૂપરેખા આપી હતી. સ્ટેચ્યુ ઓફ યુનિટીના સાંનિધ્યમાં યોજાઇ રહેલી આ ચિંતન શિબિરમાં રાજ્ય મંત્રીમંડળના મંત્રીઓ, મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કૈલાસનાથન, મુખ્યમંત્રીના સલાહકારો સહિત વરિષ્ઠ સચિવો, સનદી અધિકારીઓ મળીને ૨૩૦ જેટલા લોકો સહભાગી થયા હતાં.

Advertisement

દીપક જગતાપ, રાજપીપલા


Share

Related posts

ઝઘડીયા તાલુકાનાં રાજપારડી ગામે બે દિવસ દરમિયાન આઠ કોરોના પોઝિટિવ કેસ.

ProudOfGujarat

અમદાવાદ – માંડલ ગામમાંથી 6 લાખની કિંમતનું ડ્રગ્સ ઝડપાયું

ProudOfGujarat

વલસાડ કોંગ્રેસ દ્વારા “રોજગાર મારો અધિકાર” ફોર્મનું વિમોચન કરાયું

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!