વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજ્યના પ્રશાસનિક તંત્રને જન સેવા માટે વધુ લોકાભિમુખ બનાવવાના અભિનવ વિચાર સાથે તેમના મુખ્ય મંત્રી તરીકેના કાર્યકાળમાં ૨૦૦૩ થી શરુ કરેલી ચિંતન શિબિરની આ ૧૦ મી ચિંતન શિબિર આજથી ત્રણ દિવસ માટે એકતા નગર સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસરમાં શરૂ થઈ રહી છે.
આ શિબિરમાં સહભાગી થવા મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત સૌ મંત્રીઓ તેમજ મુખ્ય સચિવ રાજકુમાર અને રાજ્ય સરકારના વરિષ્ઠ સચિવો તથા જિલ્લાઓના કલેકટર, જિલ્લા વિકાસ અધિકારીઓ અને અન્ય અધિકારીઓ સૌ કોઈ પોતાના સરકારી વાહનને બદલે એસ.ટી ની વોલ્વો બસમાં સહપ્રવાસી બનીને ગાંધીનગર તેમજ અલગ અલગ સ્થળોએથી રવાના થયા હતા.
ગાંધીનગરથી મંત્રી મંડળ નિવાસ સંકુલના કોમ્યુનિટી સેન્ટર ખાતેથી મુખ્યમંત્રી અને મંત્રીઓ માટે એક વોલ્વો ઉપરાંત મુખ્ય સચિવ અને અન્ય વરિષ્ઠ સચિવો માટે ૪ વોલ્વો, ઉત્તર ગુજરાત ના જિલ્લાઓના અધિકારીઓ માટે અમદાવાદ સર્કિટ હાઉસ થી તેમજ મધ્ય ગુજરાતના જિલ્લાઓના અધિકારીઓ માટે વડોદરાથી, દક્ષિણ ગુજરાત માટે સુરત થી તેમજ સૌરાષ્ટ્ર અને કચ્છના જિલ્લાઓ માટે રાજકોટ થી એમ સમગ્રતયા ૯ વોલ્વો બસ મારફતે ૨૧૮ જેટલા લોકો બપોરે એકતાનગર પહોંચશે.
દીપક જગતાપ, રાજપીપલા