ગુજરાતમાં તાજેતરમાં જ ધો-12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર થયું હતું, ભરૂચ જિલ્લામાં પણ દરેક તાલુકામાં વિધાર્થીઓએ પરીક્ષામાં શ્રેષ્ઠ પ્રદશન કરી ટોપરની લિસ્ટમાં પોતાનું સ્થાન જમાવ્યું હતું, વિધાર્થીઓના સારા પ્રદર્શન બાદ તેઓને શાળા પરિવાર, પરિવાર જનો અને સ્નેહીજનો દ્વારા અનેક શુભેચ્છાઓ પણ આપવામાં આવી હતી, અને તેઓની આગળની કારકિર્દી માટે પણ શુભકામના પાઠવી હતી.
જે બાદ ગત રોજ ભરૂચ જિલ્લા કલેકટર તુષાર સુમેરા દ્વારા એક અનોખી પહેલ કરવામાં આવી હતી, જેમાં ભરૂચ જિલ્લામાં ધો – 12 વિજ્ઞાન પ્રવાહના ટોપર વિધાર્થીઓને તેઓના નિવાસ સ્થાને બોલાવી કોફી વીથ કલેકટર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
જિલ્લા કલેકટર તુષાર સુમેરા એ વિધાર્થીઓને આમંત્રિત કરી તેઓના આગળના ભવિષ્યની કારકિર્દી માટે માર્ગદર્શન આપી શુભકામનાઓ પાઠવી હતી, આ પ્રસંગે મોટી સંખ્યામાં વિધાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા સાથે સાથે જિલ્લા કલેકટરના નિવાસ સ્થાનને પણ નિહાળવાનો લ્હાવો લીધો હતો.