દક્ષિણ ગુજરાતમાં ભરૂચ જિલ્લાના વાયા પાનોલી દારૂ ઘુસાડવાના કાવતરાના મૂળ સુધી પહોંચવા ભરૂચ અને સુરત રૂરલ પોલીસ ધમપછાડા કરતી જોવા મળી હતી. સુરત રૂરલ પોલીસે લાખો રૂપિયાના દારૂ સાથે ઝડપાયેલા બે ખેપિયાઓને પાનોલી નજીક આવેલી હોટલ લેન્ડમાર્ક પાસે લાવી રિહર્સલ દ્વારા બુટલેગરોની મોડ્સ ઓપરેન્ડી જાણવાનો પ્રયાસ કર્યો તો બીજી તરફ ભરૂચ પોલીસે ડીવાયએસપી ચિરાગ દેસાઈના માર્ગદર્શન હેઠળ ક્રાઇમ બ્રાન્ચ અને અંકલેશ્વર ડિવિઝન પોલીસની મદદથી આખા પાનોલીને ધમરોળ્યું હતું. ભરૂચ પોલીસની એક ટીમે આરોપીઓની પૂછપરછ પણ કરી હોવાની વિગતો જાણવા મળી રહી છે.
ભરૂચ જિલ્લામાં ફિલ્મી અંદાજમાં ભારતીય બનાવટના વિદેશી શરાબનું કટિંગ થતું હોવાનું સામે આવ્યા બાદ પોલીસની કામગીરી ઉપર પણ સવાલો ઉભા થઈ રહ્યા છે, બુટલેગરો એ પાનોલીને પોતાનું હબ બનાવી બૉલીવુડની ફિલ્મ રઈસની સ્ટોરીને પણ પાછળ પાડે તે રીતે દારૂનો જથ્થો પાનોલી સુધી મંગાવી ત્યાંથી આખે આખી ટ્રક સગેવગે કરતા અને બાદમાં ખાલી ટ્રક પરત કરી પોતાના નાપાક મનસુબા પાર પાડતા હોવાનું પ્રકાશમાં આવતા ભારે ચક્ચાર મચ્યો છે.
ગત 15 મે ના રોજ સુરત રૂરલ પોલીસના કોસંબા પોલીસ સ્ટેશનની ટીમે દારૂ ઝડપ્યો હતો
15 મે ના રોજ કોસંબા પોલીસે 25 લાખ 72 હજાર રૂપિયાની 15000 બોટલ દારૂ સાથે ટ્રક ચાલક હરદયાળસિંહ અને ક્લીનર કુશળસિંહની ધરપકડ કરી હતી. તપાસ દરમ્યાન અંકલેશ્વરના બુટલેગર જીગો ઉર્ફે જીગ્નેશ કિરીટભાઈ પરીખ દ્વારા દારૂનો જથ્થો મંગાવાયો હોવાનું બહાર આવ્યું હતું.
ખેપિયાઓને અનલોડીંગના સ્થળથી દૂર રખાતા હતા
ખાસ કોડવર્ડના ઉપયોગથી વાતચીત વગર દારૂની ડિલિવરી લેવાતી હતી. ખેપિયાઓ દરીના કટિંગના સ્થળ વિશે જાણે નહીં તે માટે પાનોલીની હોટલ લેન્ડમાર્કના કમ્પાઉન્ડમાંથી બુટલેગરના માણસો ટ્રક ચાલક અને ક્લીનર પાસેથી ટ્રક લઈ અન્ય સ્થળે લઈ જઈ અનલોડીંગ કરી ખાલી ટ્રક પરત કરતા હતા.
સુરત રૂરલ પોલીસે રિહર્સલ કરાવ્યું
બુટલેગરના માણસો ટ્રક કઈ દિશામાં લઈ જઈ ખાલી કરતા હતા તે જાણવા સુરત રૂરલ પોલીસે પ્રયાસ હાથ ધર્યા હતા. કોસંબા પોલીસે ઝડપાયેલા બે ખેપિયાઓને પાનોલી નજીક આવેલી હોટલ લેન્ડમાર્ક પાસે લાવી રિહર્સલ દ્વારા બુટલેગરોની મોડ્સ ઓપરેન્ડી જાણવાનો પ્રયાસ કર્યો હતો
ભરૂચ પોલીસે પાનોલીને ધમરોળ્યું
દારૂના વેપલાને અટકાવવા અને ગુનેગારો સુધી પહોંચવા ભરૂચ પોલીસ પણ એક્ટિવ રોલમાં જોવા મળી છે. પોલીસ મહાનિરીક્ષક વડોદરા – સંદિપસિંહ તથા ડો. લીના પાટિલ – પોલીસ અધિક્ષક ભરૂચની સૂચનાથી નાયબ પોલીસ અધિક્ષક ચિરાગ દેસાઇની આગેવાનીમાં અસામાજિક પ્રવૃતિઓ પર અંકુશ લાવવા પાનોલી પોલીસ સ્ટેશન વિસ્તારના તમામ યુનિટ, કંપનીઓના તમામ ગોડાઉન અને હાઇવે ઉપર આવેલ તમામ હોટલની 9 ટીમો બનાવી કોમ્બીંગ કરવામાં આવ્યું હતું.
પોલીસે આ કાર્યવાહી હાથ ધરી, બી-રોલ હેઠળ ઇસમો વિરુદ્ધ પગલાં ભરાયા, MV ACT 207 મુજબ 18 વાહન જપ્ત કરાયા, IPC 188 મુજબ જાહેરનામા ભંગ કરનાર મકાન/ભાડુઆત વિરૂદ્ધ 8 કેસ કરાયા, પ્રોહીબિશન એક્ટ મુજબ 4 કેસ દાખલ કરાયા, 60 ગોડાઉન ચેક કરાયા
બુટલેગરોના કારનામા સામે ભરૂચ પોલીસના બાતમીદારો નિષ્ફળ નીવડ્યા..?
દક્ષિણ ગુજરાતમાં દારૂ ઘુસાડવા માટે બુટલેગરોની પસંદ પાનોલી બન્યું હતું અને અહીંયાથી જ તેઓ દારૂ ભરેલ ટ્રકો સગેવગે કરતા હતા, પરંતુ સુરત પોલીસની તપાસ ભરૂચ સુધી આવી પહોંચી ત્યારે સ્થાનિક પોલીસ એક્શનમાં આવી હતી જે બાદ ચર્ચાઓએ જોર પકડ્યું છે કે શું બુટલેગરોના આ કારનામાઓ સામે સ્થાનિક પોલીસ તેમજ તેઓના બાતમીદારો નિદ્રા અવસ્થામાં હતા..?