જીવનની ઢળતી સંધ્યાએ શરીર સાથ નથી આપતું ત્યારે વૃદ્ધાશ્રમમાં રહેતા વયસ્કોને પ્રવાસ તો કોણ કરાવે? પણ અખિલ વિશ્વ ગાયત્રી પરિવારે નર્મદાનાં મોટા પીપરીયા વૃદ્ધાશ્રમનાં 23 વડીલોને વિનામુલ્યે મુંબઈ દર્શનનો પ્રવાસ કરાવ્યો હતો.જેમણે પહેલીવાર મુંબઈ જોયાનો અને ગણપતિ દર્શનકરી આનંદ સાથે ધન્યતા અનુભવી હતી.
અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર વડોદરા માંજલપુર હેલ્પીંગ એન્ડ જન કલ્યાણ ટ્રસ્ટ દ્વારા તારીખ 14 મેથી 18 મે સુધી પ્રવાસમાં આયોજન કરવામાં આવ્યું હતું. ગાયત્રી પરિવારનાં જ્યોતસનાબેન પંચાલનાં જણાવ્યા અનુસાર નર્મદા જિલ્લામાં આવેલ મોટા પીપરીયા ગામે આવેલ વૃદ્ધાશ્રમના વડીલોને વિનામૂલ્ય આ પ્રવાસ કરાવવામાં આવ્યો હતો. જેમાં મુંબઈ દર્શન સિદ્ધિવિનાયક, અષ્ટવિનાયક ગણપતિ દર્શન અને પૂનામાં પણ દગડું શેઠ ગણપતિના દર્શન કરાવ્યા હતા. વડીલોને એસી બસમાં પ્રવાસ કરાવવામાં આવ્યો હતો અને રહેવા જમવાની પણ સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી. અવયવ વૃત વડીલોને આવા પ્રવાસમાં ખૂબ મજા પડી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે ગાયત્રી પરિવાર માંજલપુરથી દર વર્ષે વૃદ્ધાશ્રમવાળા વડીલોને યાત્રાએ લઈ જાય છે. આ તેમનો પાંચમો પ્રવાસ છે. આગળ તેઓ ચાર વખત વયાવતોને પ્રવાસ કરાવી ચૂક્યા છે જેમાં હરિદ્વાર, કચ્છ, સૌરાષ્ટ્ર, રાજસ્થાન વગેરે સ્થળોએ પણ પ્રવાસ કરાવી ચૂક્યા છે.
દીપક જગતાપ, રાજપીપલા