ભરૂચ જિલ્લામાંથી પસાર થતા રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર ૪૮ પર આવેલા વરેડીયા ગામ નજીક લક્ઝરી બસ અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાતા અફરાતફરી સાથે દોડધામ મચી જવા પામી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર મોડી રાત્રીના સમયે દમણથી સારંગપુર જતી ખાનગી ટ્રાવેલ્સની લક્ઝરી બસ વરેડીયાની ભૂખી ખાડી પાસે આગળ ચાલતી ટ્રક પાછળ ધડાકાભેર ઘુસી જતા મુસાફરોની ચિચયારીઓથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું, સર્જાયેલા અકસ્માતમાં અંદાજીત 20 જેટલાં મુસાફરોને નાની મોટી ઈજાઓ પહોંચી હતી.
ઘટના અંગેની જાણ ભરૂચ 108 ઇમર્જન્સી એમ્બ્યુલસને કરવામાં આવતા એમ્બ્યુલસના કર્મીઓ તાત્કાલિક સ્થળ ઉપર દોડી જઈ તમામ ઈજાગ્રસ્તોને સારવાર અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડ્યા હતા. બસ ડ્રાઇવર બસમાં જ ફસાઈ જતા તેને રેસ્ક્યુ કરી બહાર કાઢવામાં આવ્યો હતો. અકસ્માતના પગલે હાઇવે ઉપર ટ્રાફિક જામનું પણ નિર્માણ થવા પામ્યું હતુ. પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. અકસ્માતગ્રસ્ત વાહનોને રસ્તા વચ્ચેથી ખસેડી ટ્રાફિક હળવો કર્યો હતો. અક્સ્માત સંદર્ભે પાલેજ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
યાકુબ પટેલ, પાલેજ