ભરૂચ જિલ્લાના પાલેજ સ્થિત સેવાભાવી સંસ્થા શૈખુલ ઇસ્લામ ટ્રસ્ટ દ્વારા પાલેજ સ્થિત મદની હૉલમાં વર્ષ ૨૦૨૩ ની પવિત્ર મક્કા અને મદીના શરીફની હજયાત્રાએ જઇ રહેલા ભાગ્યશાળી હજયાત્રીઓ માટે હજ તાલીમ શિબિર યોજાઇ હતી. હજ તાલીમ શિબિરનો પ્રારંભ તિલાવતે કુરાન શરીફની આયાતોથી કરવામાં આવ્યો હતો.
ત્યારબાદ મદ્રેસાના તુલ્બા દ્વારા સુંદર નાઅત શરીફના ગુલદસ્તા રજુ કરી હજયાત્રીઓના હૈયા ડોલાવ્યા હતા. ત્યારબાદ વલણ સ્થિત નુરૂલ ઇસ્લામ મસ્જિદના ખતીબો ઇમામ હાજી મૌલાના હસન અશરફી સાહેબે હજયાત્રા દરમિયાન અદા કરવામાં આવતા તમામ અરકાનોનું વિસ્તૃત છણાવટ સાથે પ્રેકટીકલી માર્ગદર્શન આપ્યું હતું.
બીજી તરફ હજયાત્રીઓએ પણ હજયાત્રા દરમિયાન અદા કરવામાં આવતા તમામ અરકાનોનું માર્ગદર્શન પ્રાપ્ત કરી ધન્યતા અનુભવી હતી. હજ તાલીમ શિબિરના આયોજકો દ્વારા ભાગ્યશાળી હજયાત્રીઓને તેઓની હજયાત્રા સફળ અને સુખમય નીવડે એ માટે શુભેચ્છાઓ પાઠવી હતી. સલાતો સલામના પઠન તેમજ દુઆઓ સાથે કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું હતું. આયોજકો દ્વારા હજયાત્રીઓ માટે ભોજનની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી. કાર્યક્રમના અંતે સજળ નયનોએ હજયાત્રીઓએ વિદાય લીધી ત્યારે ભાવુક દ્રશ્યો સર્જાયા હતા. સમગ્ર કાર્યક્રમને શૈખુલ ઇસ્લામ ટ્રસ્ટના અધ્યક્ષ હાજી ફારૂકભાઇ લાંગીયા, ઉપાધ્યક્ષ હાજી મૌલાના હસન અશરફી સાહેબ સહિત કાર્યકરોએ ખુબ સારી જહેમત ઉઠાવી સફળ બનાવ્યો હતો.
યાકુબ પટેલ, પાલેજ
પાલેજ સ્થિત મદની હૉલમાં હજયાત્રીઓ માટે હજ તાલીમ શિબિર યોજાઇ
Advertisement