વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનના અરજી રૂમમાં એસીબીની ટીમે લાંચનું છટકું ગોઠવી મંગળવારે રૂ.૫૦ હજારની લાંચ લેતા બે કોન્સ્ટેબલને રંગે હાથ ઝડપી લીધા હતા. નાણાંકીય લેતીદેતીની અરજીમાં ફરિયાદી સામે કાર્યવાહી કરી લોકઅપમાં ના રાખવા માટે આરોપી કોન્સ્ટેબલોએ પૈસાની માંગણી કરી હતી. ફરિયાદીએ આ અંગે એસીબીને જાણ કરતા કાર્યવાહી કરાઈ હતી.
એસીબીએ રૂ.૫૦ હજારની લાંચની રકમ સ્વીકારનાર વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલ રવિન્દ્રસિંહ લક્ષ્મણસિંહ ડાભી (ઉં,૩૦) અને હેડ કોન્સ્ટેબલ હરદેવસિંહ અમરસિંહ ઝાલા (ઉં,૫૧)ની ધરપકડ કરી હતી. એસીબીમાં થયેલી ફરિયાદ મુજબ ફરિયાદી વિરૂદ્ધ નાણાંકીય લેતીદેતી મામલે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં અરજી થઈ હતી. આ અરજી મામલે પોલીસે ફરિયાદી વિરૂદ્ધ ૧૫૧ કલમ હેઠળ કાર્યવાહી કરી હતી. આ કાર્યવાહી મુજબ ફરિયાદીને લોકઅપમાં ના રાખવા તેમજ તરત જ કોર્ટમાં રજૂ કરવા માટે બંને આરોપી પોલીસ કોન્સ્ટેબલોએ રૂ.૫૦ હજારની લાંચની માંગણી કરી હતી. હેડ કોન્સ્ટેબલ હરદેવસિંહનો કોન્સ્ટેબલ રવિન્દ્રસિંહ ડાભી રાઈટર હોવાનું તેમજ લાંચની રકમ તેણે સ્વીકારી હતી.