Proud of Gujarat
FeaturedGujaratINDIA

નર્મદા જિલ્લા ડિઝાસ્ટર મેનેજમેન્ટ અને નેશનલ ડિઝાસ્ટર રિસોપન્સ ફોર્સ(NDRF) ના સંયુક્ત ઉપક્રમે રાજપીપલાના કરજણ ઓવારા પાસે પૂર આધારિત મોકડ્રીલ યોજાઈ

Share

નર્મદા જિલ્લા કલેકટર અને જિલ્લા મેજીસ્ટ્રેટ શ્વેતા તેવતિયાના માર્ગદર્શન અને રાહબરી હેઠળ ભારત સરકારના ગૃહ વિભાગ હેઠળ આવેલી ૬ નંબરની બટાલિયન નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ(NDRF) વડોદરા અને નર્મદા જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્ર દ્વારા નાંદોદ તાલુકામાંથી પસાર થતી કરજણ નદીમાં વધુ પાણી આવતા વધી પડેલા પ્રવાહને લીધે નદીના સામા કાંઠે ગયેલા પાંચ વ્યકિતઓ ફસાઈ ગયા હોવા અંગે ડિઝાસ્ટર કંન્ટ્રોલ રૂમને મળેલા કોલના આધારે પૂર આધારિત મોકડ્રીલનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું.

નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકામાં કરજણ નદી ઉપર કરજણ ધાબા ઓવારા ખાતે તા.૧૬ મે ૨૦૨૩ ને મંગળવારના રોજ સવારે ૮.૧૫ કલાકના સમય ગાળામાં વધુ વરસાદ પડવાને કારણે નદીમાં પાણીનો પ્રવાહ વધી ગયો હતો. જેના કારણે કુલ પાંચ લોકો સામા કાંઠે ફસાયેલા હોવાની ઘટના બની હતી. આ ઘટનાની પ્રથમ જાણકારી રાજપીપળા નગર પાલિકાના ફાયર વિભાગ ત્યારબાદ મામલતદાર નાંદોદ, જિલ્લા ડિઝાસ્ટર મામલતદાર તથા પ્રાંત અધિકારી રાજપીપળાને થતા ઘટના સ્થળે પહોંચી તાત્કાલિક અસરથી ફાયર રેસ્ક્યુ ટીમ દ્વારા બચાવ અભિયાન હાથ ધરાયું હતું. સાથે આરોગ્ય વિભાગની ટીમને પણ જાણકારી આપતા તબીબો અને એમ્બ્યુલન્સ સાથેની ટીમો સ્થળ પર પહોંચી ગઈ હતી. બચાવ કામગીરી દરમિયાન સ્થાનિક રેસ્ક્યુ ટીમ દ્વારા ૦૧ વ્યકિતનું રેસ્ક્યુ કરી બચાવી લેવાયો હતો.

કરજણ નદીમાં પાણીનો પ્રવાહ વધુ હોય અન્ય ૦૪ લોકોની તપાસ કરતા ઉંડા પાણીમાં નહીં મળતા તાત્કાલિક જિલ્લા કલેક્ટર હસ્તકના જિલ્લા ડિઝાસ્ટર મેનેજમેન્ટ કંટ્રોલ રૂમને આ બનાવ અંગે જાણ કરી અન્ય લોકોની શોધખોળ અને બચાવ કામગીરી માટે NDRF ની મદદ માંગી હતી. જેથી જિલ્લા કંટ્રોલ રૂમ દ્વારા આ બનાવ અંગે કલેકટર નર્મદાને જાણ કરાતા તાત્કાલિક રાજય કક્ષાએથી NDRF ની ટીમને ઘટના સ્થળે મદદ માટે બોલાવાતા વડોદરા સ્થિત NDRF ની ૬ નંબરની બટાલિયન ટીમ દ્વારા ઝડપભેર બનાવના સ્થળે પહોંચી બચાવ કામગીરી હાથ ધરી હતી. NDRF ટીમના સેકન્ડ ઇન કમાડન્ટ રામેશ્વેર યાદવના નેતૃત્વમાં ટીમ કમાન્ડર સાથે ટીમે ઘટના સ્થળે પહોંચી પાણીમાં ફસાયેલા ચાર વ્યકિતઓ પૈકી 3 લોકોને સહિ સલામત રેસ્ક્યુ કરી પાણીમાંથી બહાર કાઢ્યા હતા. આ તમામ લોકોને સ્થળ પર જ પ્રાથમિક સારવાર આપી બચાવી લેવાયા હતા.

Advertisement

નદીમાં ફસાયેલા વ્યક્તિઓ પૈકી એક વ્યક્તિ લાપતા થતા તેની શોધખોળ માટે NDRF ની ટીમ દ્વારા ડીપ ડ્રાયવર્સ એટલે કે ગોતાખોરની મદદથી પાણીમાં ઊંડાઈ સુધી ડૂબકી લગાવી શોધખોળ કરતા તેને શોધી કાઢી પાણીમાંથી સલામત રીતે બહાર લાવી ઘટના સ્થળે મેડિકલ કેમ્પમાં સીપીઆર સહીત પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ૧૦૮ મારફતે ખસેડાયો હતો. કરજણ નદીના પાણીના પ્રવાહમાં ફસાયેલા તમામ પાંચેય વ્યક્તિઓનું સફળતાપૂર્વક રેસ્ક્યુ કરાયા બાદ લોક જાગૃતિના ભાગરૂપે NDRFની ટીમો દ્વારા કરવામાં આવતી કામગીરી, ડ્રાઈવ રેસ્ક્યુ તેમજ નોન કોન્ટેક્ટ વિસ્તારોમાં ઘરમાં અને ઘરની આસપાસ ઉપલબ્ધ ચીજ વસ્તુઓના ઉપયોગ થકી સામાન્ય નાગરિકો પણ બચાવ કામગીરી કેવી રીતે કરી શકે તેનું નિદર્શન કરવામાં આવ્યું હતું.

ઉક્ત મોકડ્રીલના સફળ ઓપરેશન બાદ નિવાસી અધિક કલેકટર સી.એ.ગાંધીના અધ્યક્ષપદે ડી-બ્રિફિંગ બેઠક યોજાઈ હતી. જેમાં મોકડ્રીલમાં સામેલ સર્વે વિભાગોનો આભાર વ્યક્ત કરી ભવિષ્યમાં આવી કોઇ દુર્ઘટના બને તો તેવા સમયે તાત્કાલિક અને ઝડપી રિસ્પોન્સ આપી સત્વરે બચાવ કામગીરી કરી લોકોના જીવ બચાવી શકાય અને જાનહાનિ ટાળી શકાય તે દિશામાં કાર્ય કરવા જણાવ્યું હતું. સાથોસાથ જિલ્લાના નાગરિકોને અપીલ કરતા જણાવ્યું કે, કોઈપણ સંજોગોમાં દુર્ઘટના સર્જાય તો બચાવ ટૂકડીઓ જે-તે સ્થળે પહોંચે તે પૂર્વે નાગરિકો પણ તેમના ઘરની કે દુર્ઘટના સ્થળની આસપાસ ઉપલબ્ધ વસ્તુઓના માધ્યમથી બચાવ કામગીરી કરી નાગરિક તરીકેની ફરજ અદા કરી મુશ્કેલીમાં ફસાયેલા લોકોના જીવ બચાવવામાં મદદરૂપ બની શકે અને દુર્ઘટનામાંથી ઝડપભેર લોકોને બચાવી શકાય તેમ તેઓશ્રીએ ઉમેર્યું હતું.

NDRF-૬ બટાલિયનના સેકન્ડ ઇન કમાડન્ટ રામેશ્વર યાદવે જણાવ્યું હતું કે, આવનારો સમય ડિઝાસ્ટરનો છે. પાણી ક્યારેય કોઈને તક આપતું નથી. જિલ્લામાં આવી દુર્ઘટના ન બને તે માટે નાગરિકોને જાગૃત કરવા નદી કિનારા તેમજ અન્ય સ્થળે દુર્ઘટના સર્જાય શકે તેવી જગ્યાઓની યોગ્ય જાણકારી આપી ભવિષ્યમાં આવા કોઈ બનાવો ન બને તેની કાળજી રાખવી પડશે. લોક જાગૃતિથી જિલ્લામાં દુર્ઘટનાઓને મહત્તમ રીતે ટાળી શકાય છે તેમ તેઓએ ઉમેર્યું હતું.

આ મોકડ્રિલના સ્થળે નિવાસી અધિક કલેકટર સી.એ.ગાંધી, NDRF -૬ બટાલિયનના સેકન્ડ ઇન કમાડન્ટ રામેશ્વર યાદવ, નાંદોદના પ્રાંત અધિકારી શૈલેષ ગોકલાણી, નાયબ પોલીસ અધિક્ષક સર્વ જી.એ.સરવૈયા અને પી.આર.પટેલ, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી જયેશ પટેલ, કાર્યપાલક ઇજનેર સિંચાઇ વિભાગ, ડિઝાસ્ટર મામલતદાર વિજય ચાવડા, નાંદોદના મામલતદાર પી.એલ.ડીંડોર, ડી.પી.ઓ ડિઝાસ્ટર મેનેજમેન્ટ નર્મદા, રાજપીપલા નગર પાલિકાના ચીફ ઓફિસર રાહુલ ઢોડિયા, ડી.જી.વી.એલ., જિલ્લા હોમગાર્ડઝ વિભાગ, ૧૦૮ ટીમ મેનેજમેન્ટ સહિતના અન્ય અધિકારી ઓએ ઘટના સ્થળે હાજર રહી મોકડ્રીલને તરત જ રિસ્પોન્સ આપી સફળ બનાવી હતી.

રાજપીપળા : આરીફ જી કુરેશી,


Share

Related posts

ઉર્વશી રૌતેલાએ પોતાના ડાન્સ મૂવ્સથી ઇન્ટરનેટ પર તહેલકો મચાવ્યો.

ProudOfGujarat

નડીયાદ અમદાવાદી દરવાજા વિસ્તારમાં ગેરકાયદેસર રીતે ગાંજાનો વેચાણ કરતો ઇસમ ઝડપાયો

ProudOfGujarat

વડોદરા મહાનગરપાલિકાની વોર્ડ નંબર 12 ની કચેરીના પહેલા માળે આગ લાગતા મહત્વના કાગળો બળીને ખાખ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!