ભરૂચ નગરપાલિકામાં કચરા પેટીઓ અને વાહનો ભંગાર બનતી અવસ્થામાં શહેરમાં સેવા આપતા નજરે પડી રહ્યા છે, કેટલાક સ્થળે તૂટેલી કચરા પેટીઓ નજરે પડે છે તો કેટલાક સ્થળે ભંગાર બનેલા વાહનો રસ્તા વચ્ચે જ જ્યાંને ત્યાં ખોટકાઈ જતા હોવાનું સામે આવી રહ્યું છે, શહેરમાં અનેક સ્થળે પાલિકાના વાહનો ખોટકાતા હોવાની બાબતો અવારનવાર સામે આવી રહી છે, જે બાબતે તંત્ર એ મંથન કરવાની તાતી જરૂર જણાઈ રહી છે.
ભરૂચના મહંમદપુરા નજીક મદીના હોટલ પાસે આજે બપોરના સમયે પાલિકાનું ડોર ટુ ડોર સેવાનું એક ટ્રેકટરના આગળના ભાગનું ટાયર અચાનક છૂટું પડી જતા ટ્રેકટર રસ્તા વચ્ચે શિર્ષાશન અવસ્થામાં નજરે પડયુ હતું.
ટ્રેક્ટરનું ટાયર નીકળી જતા જ્યાં એક તરફ ટ્રાફિકજામની સ્થિતિ સર્જાઈ હતી તો બીજી તરફ ટ્રેક્ટરમાંથી ડીઝલ લીકેજ થતા ઉપસ્થિત લોકોમાં પણ નાશભાગ મચી હતી તેમજ ડીઝલની નદીઓ રસ્તા ઉપર વહેતી હોય તેવી પરિસ્થિતિનું સર્જન થયું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે ટ્રાફિક નિયમોને નેવે મૂકી ખુદ પાલિકાના જ વાહનો શહેરમાં દોડતા હોય તેવી કડવી વાસ્તવિકતા સામે આવી છે, એક તરફ સામાન્ય નાગરિકોને સર્કલે, સર્કલે ટ્રાફિક નિયમોનું પાલન કરવા જ્યાં આર.ટી.ઓ અને ટ્રાફિક પોલીસ કડક કાર્યવાહી દંડ વસુલતી હોય છે તો બીજી તરફ ખુદ તંત્રના જ વાહનો ફિટનેશ સર્ટી વગર બિન્દાસ ફરતા નજરે હોવાનું ચર્ચાઈ રહ્યું છે, જે આ બાબત ઉપરથી પણ સાબિત થઈ રહ્યું છે.