આમ તો મે મહિના માં માતાને યાદ કરવાનો અને પૂજવાનો દિવસ આવે એટલે સોશિઅલ મીડિયા પર માતાના ફોટા સાથે માતૃવંદનના ભાવ ઉત્પન્ન થાય અને માતા દૂર હોય કે નજીક માત્ર નમન અને પ્રણામ કરી માતૃ વંદના દિવસની ઉજવણી થતી હોય એમ લાગી રહ્યું છે. જોકે દરેક જગ્યાએ આવું નથી રાજપીપળામાં માતાની મૂર્તિ બનાવી રોજ પુજવાવાળા દિવ્યકાંત પંડ્યા જેવા કેટલાક સપૂત હજી પણ છે પણ આ એક અપવાદ છે. આજે ઘરડા ઘર કે વડીલોનો વિસામો કહો કે મા -બાપનું મંદિર કહો આ નામથી બનેલા મકાનો કઈ એમજ નથી બની ગયા આપણે જ આ મકાનો બનાવી વડીલોને અંદર પૂર્યા છે. ખાસ કરીને વાત મધર- ડે કે ફાધર -ડે ઉજવવાની આવે ત્યારે આવા ધરડાં ઘર કે માં બાપના મંદિરમાં રહેતા વડીલોની આંખમાં જે જીજ્ઞાશા હોય કે મારો દીકરો કે મારી દીકરી આવશે. આમ તો વાર તહેવારે આવા મા-બાપ ઇચ્છતા હોય કે મારુ સંતાન આવે અને મને ફક્ત થોડાક દિવસ મહેમાન બનાવીને લઈ જાય…અરે આખી જિંદગી જીવની જેમ સાચવીને ઉછેર્યા એ સંતાન થોડાક દિવસ આ મા-બાપને મહેમાન તો બનાવે..પણ આશા કદાચ અધૂરી રહેતી હોય તેવા કિસ્સા પણ છે જ.
મા-બાપ ને સંતાન મહેમાનના બનાવે પણ સંતાન મહેમાન બનીને આવે એવું પણ આ માબાપ ઇચ્છતા હોય છે ત્યારે 14 મે 2023 એ ઉજવાયેલા માતૃવંદના દિવસે જાયન્ટ્સ ગ્રુપ ઓફ રાજપીપળાના પ્રમુખ તેજશ ગાંધી અને તેમની ટિમ રાજપીપળામાં આવેલા માબાપના મંદિરે પહોંચી આ વડીલો માતાઓના મહેમાન બન્યા હતા. સાંજ ના સમયે જાયન્ટ્સ ગ્રુપ ઓફ રાજપીપળાના સભ્યો એ માબાપના મંદિર,રાજેન્દ્રનગર સોસાયટી રાજપીપલા ખાતે રહેતા વડીલો અને માતાઓ સાથે વિતાવી તેમના આશીર્વાદ લીધા અને સાચા ભાવથી માતૃ વંદના કરી હતી, જાયન્ટ્સ ગ્રુપ ઓફ રાજપીપળાનાં પ્રમુખ તેજશ ગાંધી, ફેડરેશન ઓફિસર દત્તા ગાંધી, મંત્રી જતીન મઢીવાળા, ખજાનચી હરિવદનભાઈ ગજ્જર, પૂર્વ પ્રમુખ રૂપલબેન દોશી, કૃતિબેન મઢીવાળા, ચેતનભાઈ દાસ, સ્વામી શરણ પટેલ, હિતેશાબેન પુરોહિત, મુકેશભાઈ ગાંધી એ હાજર રહી સાચા અર્થમાં માતૃ વંદના દિવસ ઉજવ્યો હતો.
રાજપીપળા : આરીફ જી કુરેશી