વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં નોકરી અપાવવાના નામે મોટુ કૌભાંડ આચારવામાં આવ્યું હોવાની વિગતો બહાર આવતા સયાજીગંજ પોલીસે ત્રણ ઠગો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. આ કૌભાંડમાં પ્રાથમિક તબક્કે જુદા જુદા શહેરોના 15 નોકરી વાંચ્છુઓ ઠગાયા હોવાની વિગતો બહાર આવી છે. જેથી તેની ઊંડાણપૂર્વક તપાસ કરવા માટે પોલીસ કમિશનરે ઉચ્ચ પોલીસ અધિકારીઓને આદેશ આપ્યો છે.
એમએસ યુનિવર્સિટીમાં સ્ટાફની અછત હોવાથી વહીવટમાં અડચણ પડતી હોવાની બૂમો ઉઠી હતી. જેને કારણે યુનિવર્સિટીમાં ભરતી કરવામાં આવનાર છે તેવા સમાચાર પ્રસિદ્ધ થયા હતા. ભેજાબાજ ટોળકીએ આ અહેવાલનો ઉપયોગ કરી લીધો હતો અને તેને આધારે યુનિવર્સિટીમાં મોટી ભરતી કરવામાં આવનાર છે અને તેમની ઓળખાણથી જોબ સિક્યોર થઈ જશે તેવી વાત ફેલાવવામાં આવી હતી.
શૈલેષ સોલંકી રાહુલ પટેલ અને મનીષ કટારાની ટોળકીએ યુનિવર્સિટીમાં એકઝામ સુપરવાઇઝર, ક્લાર્ક અને પ્યુનની પોસ્ટ માટે જગ્યાઓ ભરવાની હોવાની જાહેરાત કરી હતી અને આ જગ્યાઓ માટે રૂ 11 લાખ સુધીની રકમ નક્કી કરી હતી. ઠગ ટોળકીએ ઉમેદવારોને ફસાવવાનો તેમજ રૂપિયા કેવી રીતે વસૂલવા તેનો તખ્તો પણ ગોઠવી દીધો હતો. અને ઉમેદવારોને શોધવા માટે તેમના સર્કલ મારફતે ચક્કર શરૂ કરી દીધા હતા.
ભેજાબાજ ટોળકી દ્વારા ઉમેદવારોને વિશ્વાસમાં લેવા માટે એકઝામ જેવી જ પ્રક્રિયા કરી હતી. તેમણે મેડિકલ ટેસ્ટ, પરીક્ષા અને ફાઇનલ ઓર્ડર પણ તૈયાર કરી મોકલ્યા હતા. જ્યારે ઇન્ટરવ્યૂ રસ્તા પર જ લઈ લેવામાં આવ્યો હતો અને સમગ્ર પ્રક્રિયામાં ક્યાં પણ યુનિવર્સિટી કેમ્પસનો ઉપયોગ કરવામાં આવ્યો ન હતો.
ઠગ ટોળકી દ્વારા અમદાવાદના 6, મહેસાણાના 5, ગાંધીનગરના 2 અને મહીસાગર તેમજ વલસાડના 1-1 ઉમેદવાર મળી કુલ 15 ઉમેદવારો પાસે કુલ રૂ 1.67 કરોડ પડાવી લીધા હોવાની વિગતો ખુલી છે. ફસાયેલા લોકોની સંખ્યા અને ઉઘરાવેલી રકમ હજી પણ વધે તેવી શક્યતા જોવાઈ રહી છે.
અમદાવાદની કિંજલ પટેલ નામની ઉમેદવારે એક્ઝામ સુપરવાઇઝરની પોસ્ટ માટે રૂ 11.50 લાખ ગુમાવ્યા હતા. તેને નોકરી નહીં મળતા અમદાવાદ પોલીસને અરજી આપી હતી. જેની તપાસ દરમિયાન મોટું કૌભાંડ આચારોમાં આવ્યું હોવાની વિગતો બહાર આવતા અમદાવાદ પોલીસે આગળની તપાસ વડોદરા પોલીસને સોંપી હતી. જેથી સયાજીગંજ પોલીસે ગુનો નોંધ્યો હતો. પોલીસ કમિશનરે વધુ તપાસ ક્રાઈમ બ્રાન્ચને સોંપવાનો હુકમ કર્યો છે.