ઠાસરા નગરપાલિકા વિસ્તારમાંથી પસાર થતી કાંસમાં ગટરના ગંદા પાણીની દુર્ગંધથી સ્થાનિકો, વાહનચાલકો ત્રાહિમામ પોકારી ઉઠયા છે. ચોમાસા પહેલા કાંસ વિભાગ દ્વારા કાંસની સાફ-સફાઈ કરવી જરૂરી બની ગઈ છે.
ઠાસરા નગરપાલિકા વિસ્તારમાંથી પસાર થતા કાંસ વિભાગની ગટરમાંથી અસહ્ય દુર્ગંધ મારતુ ગંદુ પાણી વહેતા લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. આવતા જતા રાહદારીઓ માટે રોગચાળાનો ભય સેવાઈ રહ્યો છે. ઠાસરા એસટી બસ સ્ટેન્ડની પાછળથી ઇન્દિરા નગરીથી બહુચરાજી મંદિરથી જે.એમ દેસાઇ હાયર સેકન્ડરી સ્કૂલ પાસેથી પસાર થતા કાંસથી નગરજનો ઓવરંગપુરા ગામ તરફ જતા રસ્તા ઉપર ડાબી બાજુએથી પસાર થતા આ કાંસના કારણે લોકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. ગંદા પાણીને કારણે રોગચાળો ફેલાવવાનો ભય પણ સતાવી રહ્યો છે. ઇન્દિરા નગરીની ચોકડીથી ચંદાસર તરફ઼ જતા પાંચથી વધુ ગામોની જનતા કાંસની ગંદકીના કારણે ત્રાહિમામ પોકારી રહ્યા છે. આ રસ્તા ઉપરથી રાત દિવસ ડાકોર એસટી બસ સ્ટેન્ડમાંથી કપડવંજ- કઠલાલ તાલુકાના ગામોની જાહેર જનતા આ ટૂંકા રસ્તા ઉપરથી આવ-જા કરે છે
ઠાસરા એસટી બસ સ્ટેન્ડથી વીર ભાથીજી મહારાજનાં યાત્રાધામ જવા આવવાનો આ ટૂંકો રસ્તો છે તેમજ ગોધરા, દાહોદ તરફથી આવતાં વાહનચાલકો પણ આ રસ્તેથી પસાર થાય છે. આ માર્ગ પર શાળા, છાત્રાલય અને સોસાયટીઓ હોવાના કારણે લોકોને રોજ ગંદા પાણીની દુર્ગંધનો સામનો કરવો પડે છે. ચોમાસુ આવતાં પહેલા કાન્સ વિભાગ દ્વારા કાંસ સાફ કરાવવાની તાતી જરૂર છે.