મુંબઈ -દિલ્હી એક્સપ્રેસ વે, જેની કામગીરી પૂર જોશમાં ચાલી રહી છે, કામગીરીના વખાણ પણ ખુબ થઈ રહ્યા છે, તો બીજી તરફ નદીઓ પર એક્સપ્રેસ વે ની કામગીરીને લઈ નવનિર્માણ પામેલા બ્રિજ પણ આજકાલ લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા છે, જ્યાં એક તરફ આ એક્સપ્રેસ વે વિકાસની હરણફાળ ભરી રહ્યો છે તો બીજી તરફ આ સ્થળો એ જમીન સંપાદન થયેલ ખેડૂતો આજે પણ પોતાની લડત તંત્ર સામે લડી રહ્યા છે.
ભરૂચ જિલ્લામાંથી પસાર થતા વડોદરા – મુંબઈ એક્સપ્રેસ વે માં જમીન સંપાદન થયેલ ભરૂચ જીલ્લાના ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે, ખાસ કરી સુરત, નવસારી, વલસાડ જેવા વિસ્તારમાં જે પ્રકારે ખેડૂતોને ભાવ મળ્યા છે તેને પ્રમાણે ના ભાવ ભરૂચના ખેડૂતોને ન મળતા આખરે તેઓએ તંત્રની કામગીરીનો વિરોધ કર્યો હતો.
ખેડૂતોમાં સરકાર સામે વધતા જોતા રોષને પારખી જનાર સાંસદ મનસુખ વસાવા આખરે મેદાનમાં આવ્યા હતા અને વડાપ્રધાન નરેદ્ર મોદી, મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને ગ્રહ મંત્રી અમિત શાહને પત્ર લખી વિનંતી કરી હતી, મનસુખ વસાવા એ લખેલ પત્રમાં જણાવ્યું હતું કે ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી. આર પાટીલ, જિલ્લા ભાજપના આગેવાનો, ધારાસભ્યોની ઉપસ્થિતમાં અમારી મિટિંગ રોડ અને પરિવહન મંત્રી નીતિન ગડકરી સાથે ચારથી પાંચ વાર થઈ હતી.
જેમાં સુરત, નવસારી, વલસાડના ખેડૂતોને જમીન સંપાદન માટે 800 થી 900 રૂપિયા પ્રતિ સ્કવેર મીટર આપવામાં આવ્યા છે, એટલા માટે ભરૂચ જિલ્લાના ખેડૂતોને એટલા તો નહીં પરંતુ 600 રૂપિયા પ્રતિ સ્કવેર મીટર આપવા જોઈએ તેવી માંગ કરી હતી, પરંતુ આ બધી બાબતોને નજર અંદાજ કરી પોલીસની હાજરીમાં અહીંયા એક્સપ્રેસ વે ની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે, જેને લઈ ખેડૂતોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે.
વધુમાં મનસુખ ભાઈ વસાવા એ પત્રમાં લખ્યું હતું કે એટલા માટે ખેડૂતોની જે માંગ છે જે 800, 900 નહીં તો કમ સે કમ 600 રૂપિયા સ્કવેર મીટર તેઓને મળવા જોઈએ અને તેઓ સાથે ન્યાય થવો જોઈએ તેવી આશા વ્યક્ત કરી હતી.