ભરૂચ નગરપાલિકા દ્વારા સૂચિત વેરા વધારાના નિર્ણય સામે વિપક્ષ આક્રમક બન્યું છે, વેરા વધારા નાબુદી કરવાના અભિયાન સાથે વિપક્ષે સત્તા પક્ષના નિર્ણયને પ્રજા વચ્ચે લઈ જઈ પડકાર્યો છે, પ્રથમ વિપક્ષના નેતા એ પત્રકાર પરિસદ યોજી સત્તા પક્ષના સૂચિત વેરા વધારાના નિર્ણયને પ્રજા વિરોધી બતાડી તેને પરત ખેંચવાની માંગ કરી હતી, ત્યારબાદ આજે સોમવારે વિપક્ષ દ્વારા પાલિકાના નિર્ણય સામે બાયો ચઢાવી હતી.
આજરોજ સવારે 10 વાગ્યાથી બપોરનાં 1 વાગ્યા સુધાના સમયગાળા દરમ્યાન ભરૂચનાં પાંચબત્તી સર્કલ વિસ્તારમાં કોંગ્રેસના આગેવાનો અને વિપક્ષના નેતાની ઉપસ્થિતિમાં સૂચિત વેરા વધારા નાબૂદ કરવાની માંગ સાથે સહી ઝુંબેશ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું, આ અભિયાન થકી વિપક્ષ પાલિકાના સત્તા પક્ષના નિર્ણયને પ્રજા વચ્ચે લઈ જઈ તેને ઘેરવાનો પ્રયત્ન હાથ ધર્યો હતો.
પાંચબત્તી વિસ્તારમાં યોજાયેલ આ કાર્યક્રમમાં વિપક્ષના સભ્યો તેમજ કોંગ્રેસના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા, જેઓએ લોકોને પાલિકા દ્વારા વધારવામાં આવેલ સૂચિત વેરા વસુલાત અંગેની માહિતી આપી સફેદ પોસ્ટર ઉપર સહીઓ કરાવી પાલિકાની નીતિનો વિરોધ વ્યક્ત કરવા આહવાન કર્યું હતું.
આ કાર્યક્રમમાં કોંગ્રેસના દિગ્ગજ નેતા મર્હુમ અહેમદ પટેલની પુત્રી મુમતાઝ પટેલ પણ જોડાયા હતા, તેમજ પાલિકાના સૂચિત વેરા વસુલાતના નિર્ણયને વખોડી કાઢી પ્રજા વિરોધી આ નિર્ણયને પરત લેવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી.