ગુજરાતમાં દારૂબંધીની વાતો વચ્ચે રાજકોટ ગ્રામ્ય LCB પોલીસ દ્વારા મોટી માત્રામાં વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. રાજકોટ ગ્રામ્ય LCB ટીમ દ્વારા ગત મોડી રાત્રિના સમયે કુલ 20,520 બોટલ વિદેશી દારૂ તેમજ ટ્રક સહિત કુલ 40.88 લાખના મુદ્દામાલ સાથે રાજસ્થાનના ટ્રકચાલકની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ગત રાત્રિના રાજકોટ ગ્રામ્ય LCB પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી. આ દરમિયાન મળેલી ચોક્કસ બાતમીના આધારે સ્ટાફ રાજકોટ-ગોંડલ હાઇવે પર પારડી ગામ ખાતે ઓવરબ્રિજ પર વોચમાં ગોઠવાઇ ગયો હતો. જે બાદ બાતમી વાળી ટ્રક નંબર આરજે.39.જીએ.1437 આવતા તેને અટકાવી તલાસી લેતા તેમાંથી મોટી માત્રામાં વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. જેની ઊંડાણ પૂર્વક તપાસ કરતા ટ્રકમાંથી કુલ અલગ અલગ બ્રાન્ડની વિદેશી દારૂનો કુલ 855 પેટી મળી આવી હતી. જેથી પોલીસે 855 પેટીમાં રહેલ કુલ 20,520 નંગ વિદેશી દારૂની બોટલ જેની કિંમત રૂપિયા 30.78 લાખ થાય છે. તે સહિત ટ્રક અને મોબાઈલ મળી કુલ 40.88 લાખના મુદ્દામાલ સાથે ટ્રકચાલક ધર્મારામ પલીવાલ (ઉં.વ.20)ની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.