ગુજરાતમાં ધોરણ 12 સાયન્સનું પરિણામ જાહેર થઈ ગયું છે. ગત વર્ષ કરતાં આ વર્ષે પરિણામ ઓછું આવ્યુ છે. આ પરિણામ ઓછુ આવવા પાછળ એવુ માનવામાં આવે છે કે, વિદ્યાર્થીઓ મેડિકલ અને એન્જિનિયરિંગની પ્રવેશ પરીક્ષા માટે તૈયારીઓ કરતાં હોય છે જેમાં તેઓ સ્કૂલની જગ્યાએ કોચિંગ ક્લાસમાં વધુ સમય ફાળવતા હોય છે. ત્યારે ગુજરાત બોર્ડના સભ્યોએ રાજ્યમાં ચાલતી ડમી સ્કુલોની તપાસ કરવા માટે મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે. આ પત્રમાં જે વિદ્યાર્થીઓ ડમી સ્કૂલમાં પ્રવેશ મેળવે છે તેવી સ્કૂલો અંગે તપાસ કરવા બોર્ડના સભ્યોએ સરકાર પાસે માંગ કરી છે.
ગુજરાત બોર્ડના સભ્ય પ્રિયવદન કોરાટ અને ધીરેન વ્યાસે મુખ્યમંત્રીને પત્ર લખીને જણાવ્યું છે કે, ધોરણ 10 પછી મેડિકલ અને એન્જિનિયરિંગ જેવા અભ્યાસમાં પ્રવેશ મેળવવા પ્રાવેશિક પરીક્ષા માટે તૈયારી કરવા વિદ્યાર્થીઓ કોચિંગ ક્લાસમાં પ્રવેશ મેળવે છે. તેઓ સ્કૂલની જગ્યાએ કોચિંગ ક્લાસમાં જાય છે. સ્કૂલમાં માત્ર ડમી વિદ્યાર્થી તરીકે જ પ્રવેશ આપવામાં આવે છે. આવા વિદ્યાર્થીઓ અને સ્કૂલોના કારણે બોર્ડના પરિણામ પર અસર પડી છે. ડમી સ્કૂલમાં વિદ્યાર્થીઓ માત્ર કાગળ ઉપર જ એડમિશન મેળવે છે.
આ ઉપરાંત શિક્ષકો પણ કાગળ ઉપર જ હાજર હોય છે. જ્યારે બોર્ડની પેપર ચકાસણી હોય છે, ત્યારે ડમી સ્કૂલના શિક્ષકો બહાના બતાવીને ગેરહાજર રહે છે. ડમી સ્કૂલના કારણે બોર્ડના પરિણામ પર માઠી અસર જોવા મળે છે, જેથી સરકારે આવી સ્કૂલો ઉપર તપાસ કરીને કાર્યવાહી કરવી જોઈએ. જો સરકાર કાર્યવાહી ન કરે તો લાંબાગાળે ગુજરાતના બાળકોને મોટું નુકસાન થઈ શકે છે.