વડોદરા નજીક નેશનલ હાઇવે 8 ઉપર કપુરાઇ બ્રિજ પાસે વોક્સવેગન કારમાં અચાનક આગ ફાટી નીકળી હતી. કારમાં સવાર યુવાન અને યુવતી સમય સુચકતા વાપરી કારની બહાર નીકળી ગયા હતા. દરમિયાન આ બનાવની જાણ ફાયર બ્રિગેડને કરાતા ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને પાણીમારો ચલાવી કારમાં લાગેલી આગ ઉપર કાબૂ મેળવ્યો હતો. નોંધનીય છે કે, કાર ભડકે બળી રહી હતી તે જ સમયે ઈન્ડિયન ઓઇલનું ટેન્કર પસાર થઈ રહ્યું હતું. આ બનાવને પગલે હાઈવે ઉપર ટ્રાફિકજામ થઈ ગયો હતો.
મળેલી માહિતી પ્રમાણે કરજણના નારેશ્વર ખાતે રહેતા કપિલભાઇ દવે એક યુવતી સાથે નારેશ્વરથી વોક્સવેગન કારમાં વડોદરા તરફ આવી રહ્યા હતા. દરમિયાન કપુરાઇ બ્રિજ પાસે કારમાંથી અચાનક ધૂમાડા નીકળવાનું શરૂ થતાં કારચાલકે પોતાની કાર રોડની સાઇડ ઉપર ઉભી રાખી દીધી હતી અને યુવતી સાથે કારમાંથી ઉતરી સલામત સ્થળે પહોંચી ગયા હતા. કાર ચાલક અને યુવતી કારમાંથી ઉતર્યા બાદ કારમાં લાગેલી આગે ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતું. ભડભડ સળગી ઉઠેલી કારને પગલે ભરૂચથી વડોદરા તરફના હાઇવે પર વાહનોની લાંબી કતારો લાગવાની શરૂઆત થઈ ગઈ હતી. આ સાથે આ બનાવની જાણ વડોદરા ફાયર બ્રિગેડને કરવામાં આવતા ગાજરાવાડી ફાયર બ્રિગેડના ભરતભાઇ ડોડિયા તથા સ્ટાફ સ્થળ પર દોડી ગયો હતો અને આગ ઉપર પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લીધી હતી.