ગુજરાતમાં શિક્ષણ જગતમાં અનેક કૌભાંડો બહાર આવી રહ્યાં છે. ડમી કાંડ અને પેપર ફૂટવાના કૌભાંડો બાદ હવે નકલી માર્કશીટ અને સર્ટીફિકેટનું કૌભાંડ સામે આવ્યું છે. દ્વારકા SOG ની ટીમે સલાયાના પરોડીયા રોડ પરથી એક શખ્સની ધોરણ 10 ની 66 નકલી માર્કશીટ સાથે ધરપકડ કરી છે.
SOGને આ શખ્સ પાસેથી ગુજરાત સેકન્ડરી એન્ડ હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ ગાંધીનગરની નકલી માર્કશીટ સહિત STCW સર્ટિફિકેટ પણ મળી આવ્યા છે. આરોપી અજીમની પૂછપરછમાં ચોંકાવનારા ખુલાસા થયા છે. તેણે જણાવ્યું કે, સલાયા તથા અન્ય વિસ્તારના રહીશો કે જેને વિદેશમાં સારા પગારથી વહાણ કે બોટમાં નોકરી મેળવવી હોય, તેઓને અનિવાર્ય એવા સ્ટાન્ડર્ડ ઓફ ટ્રેનિંગ સર્ટિફિકેટ એન્ડ વોચ કીપિંગનું સર્ટિફિકેટ મેળવવા ધોરણ 10 ની માર્કશીટ અનિવાર્ય હતું.
આ શખ્સ દ્વારા ધોરણ 10 ની ખોટી માર્કશીટ બનાવી આપવામાં આવતી હતી આ માટે તે રૂપિયા 35 થી 40 હજાર લેતો હતો. હાલ એસઓજીની ટીમે આરોપી પાસેથી 66 નકલી માર્કશીટ, કોમ્પ્યુટરસ પ્રિન્ટર વગેરે કબજે લઈ અજીમ ડુંગડાની અટકાયત કરી છે. આ શખ્સની વધુ પૂછપરછમાં અનેક લોકોના નામ ખુલી શકે છે. હાલ સલાયા મરીન પોલીસ મથકમાં અજીમ ડુંગડા સામે ગુનો નોંધાયો છે.