ભરૂચ નગરપાલિકા ખાતે આજરોજ સામાન્ય સભા મળી હતી, આ સામાન્ય સભામાં પાલિકાના વહીવટને લગતા કુલ 28 જેટલાં કામોને મંજૂરી માટે મુકવામાં આવ્યા હતા, જેમાં એકાઉન્ટ વિભાગ પ, વ, ડી શાખા, લાઈટ શાખા, કોમ્પ્યુટર વિભાગ, ફાયર એન્ડ મોટર ગેરેજ, વોટર વર્કસ શાખા, ડ્રેનેજ શાખા, મહેકમ અને સેનેટરી શાખાને લગતા કામોને લઈ સામાન્ય સભાની શરૂઆતથી જ તોફાની બની હતી.
ભરૂચ નગરપાલિકા ખાતે આજરોજ મળેલ સામાન્ય સભામાં વિપક્ષના સભ્યોએ પાલિકા દ્વારા વેરા વધારવાની બાબત અંગે આક્રમક અંદાજમાં વિરોધ કરાયો હતો, હંમેશા પશ્ચિમ વિસ્તારના વોર્ડની બાબતોને લઈ ચર્ચામાં આવતું વિપક્ષ આજે આખા ભરૂચને લગતા મુદ્દે ધારદાર રજુઆત કરતું નજરે ચઢ્યું હતું.
સામાન્ય સભામાં શરૂઆતથી જ સત્તા પક્ષ અને વિપક્ષ વચ્ચે વિવિધ મુદ્દે ચકમક સર્જાઈ હતી તો બીજી તરફ મેલેરિયા વિભાગના વાર્ષિક ખર્ચ અંગે પણ સત્તા પક્ષને વિપક્ષના સભ્યો દ્વારા ઘેરવાનો પ્રયાસ કર્યો હતો જે મામલે સત્તા પક્ષ કંઈ બોલવા રાજી ન હોય તેમ સભામાં જોવા મળ્યું હતું.
*ડોર ટુ ડોર સેવામા થયેલ કથિત ભ્રષ્ટાચાર મામલે કમિટીના રિપોર્ટ મામલે સત્તાપક્ષ અને વિપક્ષની સાઠ ગાંઠની ચર્ચા..?*
એક વર્ષ પહેલા ભરૂચ નગરપાલિકા ખાતે ડોર ટુ ડોર સેવામાં ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપો સાથે વિપક્ષ દ્વારા હલ્લો મચાવવામાં આવ્યો હતો, જે બાદ મામલે એક તપાસ કમિટીની રચના કરવામાં આવી હતી, જે સમગ્ર કથિત ભ્રષ્ટાચારમાં એક વર્ષ જેટલો સમય વિતવા છતાં આજદિન સુધી કોઈ સામાન્ય સભામાં તેની ચર્ચા થઈ નથી તેમજ તેનો રિપોર્ટ પણ સામે આવ્યો નથી જે બાદ હવે સત્તા પક્ષ અને વિપક્ષ આ મામલે સાઠ ગાંઠ કરી લીધી હોવાની ચર્ચાઓ પણ જોર પકડી રહી છે.