વડોદરા શહેરની સીટી પોલીસે ચોક્કસ માહિતીના આધારે હદ વિસ્તારમાં અલગ અલગ ત્રણ સ્થળોએ દરોડા પાડી આઇપીએલ ક્રિકેટ મેચ ઉપર સટ્ટો રમાડનાર ત્રણ શખ્સો સાથે ત્રણ ગ્રાહકોને ઝડપી પાડી એક બુકી સહિત આંઠ ગ્રાહકોને વોન્ટેડ જાહેર કરી લાખો રૂપિયાની મત્તા કબજે કરી છે.
શહેરના ભૂતડીઝાપાં બસ સ્ટેન્ડ પાસે આઈપીએલ ક્રિકેટમાં રાજસ્થાન રોયલ્સ તથા સુપર ચેન્નઈ સુપર કિંગ્સની મેચમાં અયુબ શેખ તેના મિત્રો સાથે મેચના સ્કોર ઉપર ચિઠ્ઠી ઉછાળી જે ખેલાડી સૌથી વધુ રન કરે તેની જીત સાથે જુગાર રમે છે. જેના આધારે પોલીસે વોચ ગોઠવી બાતમી મુજબના શખ્સોને ઝડપી પાડ્યા હતા. જેમાં અયુબ ઉર્ફે મીથુ અમીરભાઈ શેખ (રહે- મન્સૂરી કબ્રસ્તાન, હાથી ખાના), દિપક કાંતિલાલ રાણા (રહે -ફતેપુરા , રાણાવાસ), કનુ બીજલભાઇ મકવાણા (રહે -હુંજરાત પાગાં, ફતેપુરા )નો સમાવેશ થાય છે. જ્યારે ચિઠ્ઠીઓ ઉછાળનાર ખોડીયાર નગરના લડડું નામના શખ્સને વોન્ટેડ જાહેર કર્યો છે. પોલીસે દરોડા દરમિયાન બે મોબાઈલ ફોન તથા રોકડ રૂ. 10,360 મળી કુલ રૂ. 11,360 નો મુદ્દામાલ કબજે કર્યો છે. બીજા બનાવમાં પોલીસને ચોક્કસ માહિતી મળી હતી કે, માંડવી રસઘર પાસે નીરજ સુરેશચંદ્ર પંડ્યા (રહે- કુંજ પ્લાઝા, રાજમહેલ રોડ) પોતાના મોબાઈલ ફોનમાં આઇપીએલ ક્રિકેટ મેચ ઉપર સટ્ટો રમાડે છે. જેના આધારે પોલીસે વોચ ગોઠવી નીરજ પંડ્યાને ઝડપી પાડી તેનો મોબાઇલ ફોન ચેક કરતા સટ્ટાની વિગતો સપાટી પર આવી હતી. પોલીસે બે મોબાઈલ ફોન, રોકડા રૂપિયા 21,300 તથા એકટીવા સહિત કુલ 61,300 નો મુદ્દા માલ કબજે કરી અન્ય સાત ગ્રાહકોને વોન્ટેડ જાહેર કરી તેમની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા હતા.
અન્ય એક બનાવમાં બેંક ઓફ બરોડા પાસે રોહન કિશોરભાઈ ધાયબર( રહે- માયા કોમ્પ્લેક્સ ,સલાટ વાળા રોડ) આઇપીએલ ક્રિકેટ મેચ ઉપર સટ્ટો રમે છે. તેવી માહિતીના આધારે પોલીસે રોહનને ઝડપી પાડી તેનો મોબાઇલ ફોન કબજે કરતા સટ્ટો રમ્યો હોવાનું બહાર આવ્યું હતું. તેની પાસેથી મળી આવેલ બેગ ચેક કરતા રોકડા 5.32 લાખની રકમ મળી આવી હતી. તેણે આ રકમ મોટા પાયે ઓનલાઇન ક્રિકેટ મેચનો સટ્ટો રમાડનાર શિવમ પારેખ (રહે – વારસિયા રિંગ રોડ)ની હોવાની કબુલાત કરતા પોલીસે તેને વોન્ટેડ જાહેર કર્યો હતો. પોલીસે રોકડ રકમ, મોબાઈલ ફોન તથા સ્કૂટર સહિત કુલ 5,62,500 ની મત્તા કબજે કરી છે.