નડિયાદના કોલેજ રોડ વિસ્તારમાં પરિવાર મકાન બંધ કરી સાંજે જમવા ગયા હતા અને તસ્કરોએ સાડા પાંચ તોલા સોનાના દાગીના કિંમત રૂપિયા ૧.૩૪ લાખની ઘરમાંથી ચોરી કરી ફરાર થઈ ગયા હતા. પડોશના સીસીટીવી મારફતે મોટરસાયકલ પર આવેલા બે શખ્સોએ ચોરી કરી હોવાનો દેખાય છે. આ બનાવ મામલે નડિયાદ ટાઉન પોલીસમાં ચોરીની ફરિયાદ નોધાઈ છે.
નડિયાદ શહેરના કોલેજ રોડ ઉપર કિશન સમોસાના ખાંચામાં આવેલ હરિપાક સોસાયટીમાં રહેતા રાજનકુમાર જનાર્દનભાઈ પંડ્યા જે નગરપાલિકામાં ક્લાર્ક તરીકેની ફરજ બજાવે છે. સાંજના સુમારે તેઓ પરીવાર સાથે હોટલમાં જમવા માટે ઘરને તાળું મારીને ગયા હતા. જ્યારે જમીને રાજનકુમાર ઘરે પરત ફર્યા હતા દરમિયાન ઘરના મુખ્ય દરવાજાની જાળી ખુલ્લી જોઈ તેમજ મુખ્ય દરવાજાનો થ્રી સ્ટોકવાળું ઇન્ટરલોક તૂટેલી હાલતમાં જોઈ તેઓ ચોકી ઉઠ્યા હતા.
જ્યારે રાજનકુમારે પોતાના ઘરમાં તપાસ કરતા ઉપરના માળે બેડરૂમમાં લાકડાના કબાટના દરવાજો ખુલ્લો હતો તેમજ કપડાં તથા અન્ય ચીજવસ્તુઓ વેરણછેરણ હાલતમાં હતી અને તપાસ કરતા ઘરમાં ચોરી થઈ હોવાનું માલુમ પડ્યું હતું. કબાટમાં મુકેલા અલગ અલગ સોનાના દગીના લગભગ સાડા પાંચ તોલાના જેની કિંમત રૂપિયા ૧ લાખ ૩૪ હજારની ચોરી થઈ હતી. આ ચોરીની ઘટના બાદ રાજનકુમારે પડોશીને ત્યાં સીસીટીવી ચેક કરતાં સાડા સાત વાગ્યાની આસપાસ મોઢે રૂમાલ બાંધી એક મોટરસાયકલ પર આવેલા બે લોકો ઘરમાંથી બહાર નીકળતા જોવા મળ્યા હતા. આથી આ મામલે રાજનકુમાર પંડ્યાએ નડિયાદ ટાઉન પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
નરેશ ગનવાણી : નડિયાદ