દેશને આજે 16 મી વંદે ભારત એક્સપ્રેસ મળી ગઈ છે. મંગળવારે વડાપ્રધાન મોદીએ દક્ષિણ ભારતના કેરળ રાજ્યની મુલાકાત દરમિયાન તેને લીલીઝંડી બતાવી હતી. પીએમ મોદી અહીં કેરળની વોટર મેટ્રો પણ શરૂ કરવાના છે. કેરળના કોચ્ચીમાં શરૂ થનાર વોટર મેટ્રો એશિયાની પ્રથમ વોટર મેટ્રો પણ છે. અહીં પીએમ મોદીએ તેના પહેલા રોડ શૉ પણ કર્યો હતો.
અગાઉ પીએમ મોદીએ તિરુવનંતપુરમ સેન્ટ્રલ સ્ટેશન પર વંદે ભારત એક્સપ્રેસને લીલીઝંડી બતાવી રવાના કરી હતી. આ સેમી હાઈસ્પીડ ટ્રેનનો રુટ, ભાડું અને સ્ટોપની વિગતો પણ જાહેર કરાઈ છે. કેરળ રાજ્યની આ પ્રથમ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન 586 કિ.મી.નું અંતર કાપશે. 26 એપ્રિલે તે કાસરગોડ-તિરુવનંપુરમ રુટ પર નિયમિત સંચાલન શરૂ કરશે.
આ ટ્રેન ગુરુવાર સિવાય 6 દિવસ ચાલશે અને તે આઠ કલાક અને 5 મિનિટમાં 14 રેલવે સ્ટેશનનું અંતર કાપશે. તેના ભાડાની વાત કરીએ તો ચેરકાર માટે રૂ. 1590 અને એક્ઝિક્યૂટિવ ક્લાસ માટે 2880 રૂ. નક્કી કરાયું છે. જોકે કાસરગોડ-તિરુવનંતપુરમ રુટ પર ચેરકારનું ભાડું 1520 રૂ તથા એક્ઝિક્યૂટિવ ક્લાસ માટે 2815 રૂ. રહેશે.