ભરૂચ જિલ્લાના નર્મદા નદીના કાંઠા વિસ્તારોમાં અનેક રેતીની લીઝો આવેલી છે, ખાસ કરી પૂર્વ પટ્ટી વિસ્તારમાં રેત ખનન પક્રિયા પૂર જોશમાં જોવા મળતી હોય છે, જ્યાં દિવસ દરમ્યાન મસમોટા ડમ્પરો અને ટ્રકો રેતી વહન કરી હાઇવે વિસ્તારમાં સતત દોડતા નજરે પડતા હોય છે, ભરૂચનાં ઝનોર માર્ગ ઉપર આ પ્રકારની અનેક ગાડીઓ જોવા મળે છે, જે ગાડીઓ કેટલીક વાર લોકોના જીવ લે તે પ્રકારે વહન થતી હોય છે, આજ પ્રવૃતિને ડામવા હવે પોલીસ પણ સતર્ક બની છે.
ભરૂચના નબીપુર પોલીસ મથકની હદ વિસ્તારમાં આવેલ ફ્લાયઑવર બ્રિજ નીચેથી પસાર થતી રેતી ભરેલ ટ્રેકો અને હાઇવા ડમ્પરો સામે પોલીસે લાલ આંખ કરી હતી. ટ્રકોમાં મોટા પ્રમાણમાં પાણીવાળી રેતી ભરી ટ્રકની ઉપરના ભાગે તાડપતરી ન ઢાંકી તેમજ પાણી નિતરે તે પ્રકારે વહન કરી રસ્તા પર કીચડ ઉભું કરી અન્ય વાહન ચાલકો માટે અકસ્માત સર્જાય અને જીવ જોખમમાં મુકાય તેવી સ્થિતિમાં વહન કરી લઈ જતા ટ્રકો અને હાઇવાને ઝડપી પાડયા હતા.
નબીપુર પોલીસે ત્રણ જેટલાં અલગ અલગ ગુના દાખલ કરી ટ્રકો અને વાહનો ડિટેન કરી તેઓની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરતા રેત ખનન કરી કાયદાને નેવે મૂકી રસ્તા પરથી પસાર થતા ટ્રક ચાલકોમાં ફાફડાટનો માહોલ છવાયો છે.