ગત તા ૧૬ એપ્રિલને રવિવારના રોજ જૈન સોશ્યલ ગૃપ ભરુચનો પદગ્રહણ સમારોહ હોટલ રંગઇન બેંકવેટ હોલ ખાતે ૩૦૦ વ્યક્તિઓની હાજરીમાં યોજાઇ ગયો. જેમાં ઇન્સ્ટોલિંગ ઓફિસર તરીકે ગુજરાત રિજીયન ચેરમેન ભરત ભાઇ શાહે જૈન સોશ્યલ ગૃપના ભરૂચના પ્રેસીડેન્ટ શ્રીમતી કેતકી મહેતા અને તેમની કારોબારી ટીમને પદ અને ગોપનીયતાના શપથ લેવડાવ્યા. ચીફ ગેસ્ટ તરીકે ઇન્ટરનેશનલ ફેડરેશનના ઇમી.ફોર્મર પ્રેસીડેન્ટ શ્રી લલિત ભાઇ શાહે ઉપસ્થિત રહી પ્રેસીડેન્ટ કેતકી બેન મહેતા અને તેમની ટીમને શુભેચ્છા સહ આશીર્વચન પાઠવ્યા હતા.ભરુચ જિલ્લાના જ નહી સમગ્ર રાજ્યના અગ્રગણ્ય ઉદ્યોગપતિ તથા જેએસજી ભરુચ ના પરમેનંટ પ્રોજેક્ટ અનસૂયા જે મોદી વુમન એમ્પાવરમેંટના પ્રેરકબળ અને દાતા ,એવા જેએસજી ભરૂચના ફાઉન્ડર પ્રેસીડેન્ટ શ્રી કમલેશ ઉદાણીએ ઉપસ્થિત રહી જેએસજી ભરુચના ભવ્ય ઇતિહાસની ઝાંખી કરાવવાની સાથે કેતકી બેન વુમન એમ્પાવરમેન્ટ ક્ષેત્રે સમર્પિતપણે જે કાર્ય કરી રહ્યા તે વિશે હાજર સૌને અવગત કરાવ્યા.
કાર્યક્રમમાં જેએસજી ભરુચના નાના નાના બાળકો દ્વારા એકસૂરમાં નવકાર મંત્રનું પઠન તથા મૈત્રી ભાવનું પવિત્ર ઝરણું ગાવામાં આવ્યું તથા યુવા સભ્ય બહેનો દ્વારા ભારતના ચાર રાજ્યોને આવરી લેતો સુંદર વેલકમ ડાન્સ પ્રસ્તુત કરવામાં આવ્યો. કાર્યક્રમનું મહત્વનું પાસુ એ હતું કે, પ્રેસીડેન્ટની એન્ટ્રી વખતે જૈન સોશ્યલ ગૃપની જ ત્રીસ જેટલી બહેનો દ્વારા એક અનોખા અદભૂત બેંડ ગૃપની સાથે જેએસજી થીમ સોંગની સુરીવલી વહાવડાવી સૌને મંત્રમુગ્ધ કરી દેવામાં આવ્યા.
કાર્યક્રમમાં જૈન સોશ્યલ ગૃપ ઇન્ટરનેશનલ ફેડરેશનના પીઆરઓ એડમિન મનિષ શાહ સહિત ગુજરાત રિજીયનના ઇમી. ફોર્મર ચેરમેન શ્રી મયુર શાહ , જો. સેક્રેટરી નિરવ શાહ સહિત અનેક પદાધિકારીઓ અને નેબરિંગ ગૃપ જેએસજી અંકલેશ્વરના પ્રેસીડેન્ટની સાથે સાથે અંકલેશ્વર ઉદ્યોગ જગતના અગ્રણી નિગમ ઇન્ડસ્ટીઝના ચેરમેન એન્ડ મેનેજિંગ ડિરેક્ટર આર પી યાદવ તથા સ્ટીલકોન એન્જીનીયરીંગના ઓનર રાજેશ કાલરા અને દૈનિક અખબાર સંદેશના ભરુચ જિલ્લા બ્યુરો ચીફ કૌશલ ગોસ્વામીએ પધારી કાર્યક્રમની શોભા વધારી હતી. ટાઇમ મેનેજમેન્ટ સહિત પોતાની આગવી શૈલીમાં કાર્યક્રમનું સફળ સંચાલન પૂર્વ પ્રમુખ મયુર ભાઇ શેઠ અને સંગીની ભરુચ પ્રેસીડેન્ટ નેહા શાહે કર્યુ હતું.