ગાંધીનગર અમદવાદાના હાઇવે ઉપરની હોટલો કે કોમ્પલેક્સ બહાર પાર્કિંગમાં પાર્ક કરેલી કારના કાચ તોડીને તેમાંથી કિંમતી માલ સામાન ચોરી જતી ગેન્ગ સક્રિય થઇ છે. અગાઉ અડાલજ, વૈષ્ણોદેવી સર્કલમાં પાસે આ ગેન્ગનો ત્રાસ હતો ત્યારે હવે ભાટમાં પણ આ પ્રકારે ચોરીની ઘટનાઓ પ્રકાશમાં આવી છે. ભાટ પાસે હોટલમાં જમવા ગયેલા અમદાવાદના વેપારી સાથે પણ આ જ પ્રકારે ઘટના બની છે અને કારમાંથી દોઢ લાખ રોકડા ભરેલી બેગ ચોર લઇને પલાયન થઇ ગયા હતા.
આ અંગે પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે, અમદાવાદ એરપોર્ટ સર્કલ નજીક કર્ણાવતી ક્લાસીસ રેસીડેન્સીમાં રહેતા મનીષ નાનકરણ વરધાની કાપડના કમીશન એજન્ટ તરીકે છેલ્લા ઘણા વર્ષોથી વેપાર કરે છે. ત્યારે મંગળવારે તેઓ પોતાની કાર લઇને સાંજના સમયે ભાટ એપોલો સર્કલનીજક રાધે ફોરચ્યુનમાં આવેલા જીમમાં ગયા હતા ત્યારબાદ એક કલાક પછી તેઓ રાત્રે કાર લઇને એકસપીરીયા બિલ્ડીંગ ખાતે હોટલમાં જમવા ગયા હતા અને કાર હોટલ સોના સર્વિસ રોડ ઉપર પાર્ક કરી હતી. મનીષભાઇ જમીને પરત આવ્યા ત્યારે ડ્રાઇવરની પાછળના દરવાજાનો કાચ તૂટેલો હતો. મનીષભાઇએ કારમાં તપાસ કરતા અંદર રાખવામાં આવેલી કાળા રંગની બેગ ન હતી. જેમાં દોઢ લાખ રૃપિયા રોકડા અને આધારકાર્ડ સહિતના જરૃરી દસ્તાવેજો હતા. તેમણે આ વિસ્તારમાં આસપાસ તપાસ કરી હતી પરંતુ ચોર કે ચોરીનો સામાન મળ્યો ન હતો જેથી તેમણે અડાલજ પોલીસ મથકમાં ફરિયાદ કરી છે પોલીસે પણ ગુનો નોંધીને આ વિસ્તારના સીસીટીવી કેમેરા તપાસવાનું શરુ કર્યું છે.