અમદાવાદમાં ચોરી લૂંટ અને ઘરફોડના બનાવો વધી રહ્યાં છે. તે ઉપરાંત મોબાઈલ ફોનની ચોરીની ઘટનાઓ પણ વધી રહી છે. અમદાવાદમાં રમાઈ રહેલી આઈપીએલની ક્રિકટ મેચ જોવા ગયેલા અનેક લોકોના મોબાઈલોની ચોરી થઈ હોવાની ઘટનાઓ સામે આવી છે. તે ઉપરાંત મોબાઈલ સ્નેચિંગની ફરિયાદો પણ પોલીસ સ્ટેશનોમાં નોંધાઈ રહી છે. ત્યારે શહેરમાં આવા મોબાઈલ સ્નેચરોની અમરાઈવાડી પોલીસે ધરપકડ કરી છે. પોલીસે આરોપીઓ પાસેથી 12 લાખની કિંમતના 102 મોબાઈલ જપ્ત કર્યા છે.
પ્રાપ્ત વિગતો પ્રમાણે અમદાવાદમાં અલગ અલગ વિસ્તારોમાંથી આવતા જતાં લોકો પાસેથી મોબાઈલ સ્નેચિંગ કરનાર ગેંગ સક્રિય થઈ હતી. શહેરના પોલીસ સ્ટેશનોમાં મોબાઈલ ચોરી અને સ્નેચિંગની ફરિયાદો વધી રહી હતી. ત્યારે આવા ગુનાના આરોપીઓને ઝડપી પાડવા અમદાવાદના પોલીસ કમિશ્નરે સૂચના આપી હતી. પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમી મળી હતી. આ બાતમીને આધારે પોલીસે પાંચ આરોપીઓની ધરપકડ કરી હતી. આ પાંચેય આરોપીઓ પશ્ચિમ બંગાળ, ઝારખંડ સહિત અલગ અલગ રાજ્યોના હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે આરોપીઓની ધરપકડ કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.