ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના અમલઝાર ગામ ખાતે ગાડી ઓવરટેક કરવાની બાબતે થયેલ ઝઘડા એ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું, જે બાદ મકાન, ગલ્લા અને બાઈક તેમજ મોટર સાયકલ ને નુકશાન પહોંચાડતા મામલો પોલીસ મથકે પહોંચ્યો છે,જેમાં 13 થી વધુ લોકો સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર ઝઘડિયા તાલુકાના અમલઝાર ગામ ખાતે રહેતા અને ખાનગી નોકરી કરતા કરણભાઈ ગિરીશભાઈ વસાવા નાઓ ગત તારીખ 16/04/2023 ના રોજ રાજપારડી ગામ ખાતે તેઓની દાદીને લેવા માટે જઈ રહ્યા હતા, દરમ્યાન ધ્રુવ ઉર્ફે ચિન્ટુ બચુ ભાઈ વસાવા નાઓ તેઓની ફોર વ્હીલ ગાડી લઈ આગળ ચાલતા હતા તેમજ કરણ ભાઈ વસાવાને ઓવરટેક કરવા ન દેતા હોય જે બાદ બંને વચ્ચે બોલાચાલી થઈ હતી. ઘટનાઓ અંગેની જાણ કરણ વસાવા એ ધ્રુવ ઉર્ફે ચિન્ટુના પિતા બચુભાઈને કરી હતી.
ત્યારબાદ કરણ વસાવા રાત્રીના સમયે મોટર સાયકલ લઈ તેના મિત્ર સાથે નોકરી એ જવા નીકળ્યો હતો દરમ્યાન રસ્તામાં અંકિત વસાવા તેમજ તેના મિત્ર એ કરણ વસાવાને રોકયા હતા અને ગાડી ઓવરટેક કરવાની વાત તેના પિતાને કેમ કરી તેમ જણાવી બોલાચાલી કરી ઝઘડો શરૂ કર્યો હતો અને બાદમાં તેના મોટાભાઈ ધ્રુવ વસાવાને ફોન કરી જાણ કરી હતી.
ધ્રુવ ઉર્ફે ચિન્ટુ તેના મિત્રો સાથે સ્થળ પર પોતાની ગાડી લઈ દોડી આવ્યો હતો અને લાકડાના સપાટા અને લોખંડના પાઇપ વડે મારામારી શરૂ કરી હતી, બાદમાં ટોળા સાથે ફરિયાદી કરણભાઈ વસાવાના મકાન ખાતે ઢસી જઈ ત્યાં રહેલ ગલ્લા, બાઈક અને ઇકો ગાડીને નુકશાન પહોંચાડી તેઓના મકાનમાં પ્રવેશ કરી માતા પિતા તથા ભાઈને લાકડી ઓ વડે માર મારી જાનથી મારી નાંખવાની ધમકીઓ આપી હતી.
ઘટનામાં ઈજાગ્રસ્ત લોકોને સારવાર અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં રાજપારડી પોલીસે ઈજાગ્રસ્તની ફરિયાદના આધારે 13 થી વધુ લોકોના ટોળા સામે ગુનો દાખલ કરી મામલે વધુ તપાસ હાથધરી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.